અક્ષરવાસી સંતોની સ્મૃતિમાં એમ્બ્યુલન્સ સેવાની શરૂઆત થઈ

Wednesday 23rd May 2018 08:19 EDT
 
 

ભુજઃ વરિષ્ઠ અક્ષરનિવાસી સંતોની સ્મૃતિમાં ભુજ સ્વામીનારાયણ મંદિરે ૧૯મી મેએ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઈ હતી. આ સેવા મેળવવા માટે ભૂજવાસીઓ કોઠારનો સંપર્ક કરી શકશે.  સંતો સ્વામી કૃષ્ણજીવનદાસજી, સ્વામી ભક્તિવલ્લભદાસજી, સ્વામી રામકૃષ્ણદાસજી અક્ષરવાસી થતાં મંદિરમાં તેમની સ્મૃતિમાં ૧૫મી મેથી ભક્ત ચિંતામણિ પંચાહન પારાયણ ચાલી રહી છે. તે અનુસંધાને મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી અને કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગતની પ્રેરણાથી અક્ષરવાસી સમર્થ સંતોની સ્મૃતિમાં એમ્બ્યુલન્સ સેવાનું મંગળાચરણ પણ થયું હતું.
મૂળ રાવરી, નારાયણપરના હાલમાં યુગાન્ડામાં વસતા ગોવિંદ ખીમજી વેલજી પિંડોરિયા અને નાનબાઈ પરિવાર દ્વારા અક્ષરવાસી સ્વામી ભક્તિવલ્લભદાસજીની સ્મૃતિમાં પ્રથમ એમ્બ્યુલન્સનું દાન આપ્યું હતું. ભુજ મંદિરના કોઠારી શાસ્ત્રી દેવપ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યા મુજબ આ વાહન આઇસીસીયુ ઓનવ્હીલ છે. જે ઇમર્જન્સીમાં દર્દીઓને અમદાવાદ, રાજકોટ સુધી લઈ જવામાં ઉપયોગી થશે.
મંદિરના ટ્રસ્ટી જાદવજી ગોરસિયાએ કહ્યું કે, આ પ્રકારની સેવાથી કચ્છની આરોગ્ય સુવિધાઓમાં ઉમેરો થયો છે. આ સેવાના લોકાર્પણ પ્રસંગે મંદિરના ઉપકોઠારી મૂરજીભાઈ કરશન સિયાણી તેમજ ટ્રસ્ટી મંડળ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોઠારી રામજીભાઈ દેવજી વેકરિયાએ સંતોનો ખાસ આભાર માન્યો હતો. એમ્બ્યુલન્સ માટે ૯૮૭૯૯૫૩૧૦૮ નંબર અપાયો છે.
આ સેવાદાન પ્રવૃત્તિ દરમિયાન નિષ્કુળાનંદ સ્વામી રચિત ભક્ત ચિંતામણિ શાસ્ત્રના વક્તા સ્વામીનારાયણ મુનિદાસજી, આનંદવલ્લભ સ્વામી, સ્વામી હરિકૃષ્ણસ્વામીએ પ્રસંગો વર્ણવ્યા હતા. સભા સંચાલક શાસ્ત્રી અક્ષરપ્રકાશદાસજી સ્વામી, શાસ્ત્રી ઉત્તમચરણદાસજી સ્વામીએ યથોચિત પહેરામણી કરાવી હતી. સાંજના સત્રમાં આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદદાસજી સ્વામીનું આગમન થયું હતું અને ગઢડા ધામના આનંદ સ્વામીએ સંતોનાં સંસ્મરણો તાજાં કર્યાં હતાં. ભક્તિવલ્લભ સ્વામીએ અમદાવાદ, મુંબઈ સહિતનાં વિશ્રાંતિ ભવનોનાં નિર્માણમાં કરેલું સમર્પણ અદ્વિતીય હોવાની વાત પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીજીએ કરી હતી. મંદિરના સંત શાસ્ત્રી દિવ્યસ્વરૂપદાસજી સ્વામીએ ઉમેર્યું હતું કે, આ ઉત્સવ દ્વારા રાત્રિ પ્રસંગોમાં ખાસ કરીને મહારાસોત્સવમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું છે.
આ પ્રસંગે એવી જાહેરાત પણ કરાઈ હતી કે સંતોની સ્મૃતિમાં ૨૭મી મેએ મેડિકલ કેમ્પ પણ યોજાશે. એમએમપીજે લેવા પટેલ હોસ્પિટલના પૂર્વાધ્યક્ષ અરજણભાઈ પિંડોરિયાએ કહ્યું કે, આ કેમ્પમાં બાળાઓને કેન્સર સામે રક્ષણ આપતી રસીઓ અપાશે.
આ કેમ્પ માટેનો સંપૂર્ણ ખર્ચ ભુજ સ્વામીનારાયણ મંદિર ભોગવશે અને કેમ્પના મુખ્ય યજમાન આફ્રિકાના મોમ્બાસામાં રહેતા હસુભાઈ તથા સૂરજ ભુડિયા પરિવાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter