નવી દિલ્હી: અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે. 700 થી વધુ બેટરી કન્ટેનર ધરાવતો આ પ્રોજેક્ટ માર્ચ 2026 સુધી કાર્યરત થવાની અપેક્ષા છે. આ સિસ્ટમ ખાવડાના નવીનીકરણીય ઊર્જા સંકુલનો ભાગ હશે. આ પ્રોજેક્ટ અદ્યતન લિથિયમ-આયન ટેકનોલોજી અને ઊર્જા મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા સંચાલિત થશે. અદાણી ગ્રૂપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ જણાવ્યું કે, ‘ઊર્જા સંગ્રહ એ નવીનીકરણીય સંચાલિત ભવિષ્યનો પાયો છે. કંપની આગામી પાંચ વર્ષમાં 50 GWh સુધી સ્ટોરેજ ક્ષમતા વધારવાની યોજના ધરાવે છે.
બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) એ એવી સુવિધા છે, જ્યાં વધારાની સોલાર અથવા પવન ઊર્જા બેટરીમાં સંગ્રહિત થાય છે. આ ‘ઊર્જા બેન્ક’ તરીકે કામ કરે છે. એટલે કે, જરૂર પડે ત્યારે તેમાંથી વીજળી કાઢી શકાય છે.આથી વીજ પુરવઠો સતત અને સ્થિર રહે છે.


