આજથી વડા પ્રધાન કચ્છમાંઃ ભારતભરના પોલીસ વડાઓની કોન્ફરન્સ

Friday 18th December 2015 03:52 EST
 
 

ભુજઃ કચ્છના ધોરડો (સફેદ રણ)માં ભારતભરના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી)ની કોન્ફરન્સનો પ્રારંભ થઈ રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન રાજનાથ સિંહ અને ગૃહ રાજ્યપ્રધાન ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી ર૦૦ જેટલા ડીજીપી કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ કોન્ફરન્સમાં હાજરી આપવા કચ્છ પહોંચ્યા છે.

ત્રણ દિવસ માટે યોજાનારી ડીજી કોન્ફરન્સમાં દેશની આંતરિક સુરક્ષાથી માંડીને વૈશ્વિક આતંકવાદ વિશે ચર્ચા કરવામાં આવશે. રવિવાર સુધી દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી કચ્છમાં રોકાણ કરનાર હોય ત્રણ દિવસ સુધી કચ્છમાંથી દેશનું સંચાલન કરવામાં આવશે. સાંજના ચાર વાગ્યાના અરસામાં શરૂ થનાર ડીજી કોન્ફરન્સ પૂર્વે ભુજ એરપોર્ટ પર ગુજરાતના મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ વડા પ્રધાનને આવકારશે.

દર વર્ષે દેશના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ડીજી કોન્ફરન્સ યોજવામાં આવે છે, જે અત્યાર સુધી દિલ્હી ખાતે યોજાતી હતી. જોકે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ શિરસ્તો બદલાયો છે. ગયા વર્ષે આસામના ગુવાહાટીમાં કોન્ફરન્સ યોજાઈ હતી જ્યારે આ વર્ષે કચ્છના ધોરડોના સફેદ રણની પસંદગી કરવામાં આવી છે.

ધોરડોથી પાકિસ્તાનનું અંતર માત્ર ૧૭૦ કિલોમીટરનું હોવાથી સુરક્ષાના અંગે કોઈ કચાશ દાખવવામાં આવી નથી. ભુજના એરપોર્ટ પર મુખ્ય પ્રધાન દ્વારા સ્વાગત બાદ વડા પ્રધાન, ગૃહ પ્રધાન, ગૃહ રાજ્ય પ્રધાન સહિતનાઓ હેલિકોપ્ટર વડે ધોરડો જવા રવાના થશે. ગૃહ પ્રધાન રાજનાથ સિંહ પ્રાસંગિક પ્રવચન સાથે ડીજી કોન્ફરન્સનો પ્રારંભ કરાવશે. પ્રથમ દિવસે કોન્ફરન્સમાં પ્રધાનો તેમ જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ વચ્ચે ગ્રૂપ ચર્ચા થશે. ત્રણ દિવસ યોજાનારી ડીજી કોન્ફરન્સમાં વૈશ્વિક આતંકવાદથી માંડી દેશની આંતરિક સુરક્ષા મુદ્દે ચર્ચા કરવામાં આવશે. જેમાં આંતરરાજ્ય ગુનાઓ, ટ્રાન્સપોર્ટ, સાઈબર ક્રાઈમ, પોલીસ અધિકારીઓ વચ્ચે કોમ્યુનિકેશન, સીસીટીવી, ટ્રાન્સપોર્ટ ગુના, ટેકેનોલોજી સહિત દેશમાં વધતા જતા ગુનાઓ અંગેની ચર્ચાઓ થશે. ઉપરાંત સરહદ ઉપર થતો ગોળીબાર, ઘૂસણખોરી તેમ જ વૈશ્વિક આંતકવાદના મુદ્દાને કોન્ફરન્સમાં આવરી લેવામાં આવશે. શનિવારે સાંજે સફેદ રણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેમાં સારી કામગીરી કરનારા પોલીસ અધિકારીઓને મેડલ એનાયત કરીને સન્માનિત કરાશે. કોન્ફરન્સના છેલ્લા દિવસે રવિવારે વડા પ્રધાન પોલીસ અધિકારીઓને સંબોધન કરશે અને બપોર સુધીમાં ત્રિદિવસીય ડીજી કોન્ફરન્સની પૂર્ણાહૂતિ કરાશે.

ઉલ્લેખનીય છે કે ડીજી કોન્ફરન્સમાં માંસાહાર અને દારૂ પીરસવા પર મનાઈ ફરમાવવામાં આવી હોવાથી ખમણ, ઢોકળા, બાજરાનો રોટલો, રિંગણાનો ઓળો સહિતની ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે.

ત્રણ પ્રધાનોનું કચ્છમાં રોકાણ

ડીજી કોન્ફરન્સના ત્રણેય દિવસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ત્રણ કેન્દ્રીય પ્રધાનોની ઉપસ્થિતિ રહેશે. જેમાં ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રિય રાજ્ય ગૃહ પ્રધાન કિરણ રીજીજુ તેમ જ હરિભાઈ ચૌધરીનો સમાવેશ થાય છે.

લોખંડી સુરક્ષાબંદોબસ્ત

ધોરડોના સફેદ રણમાં યોજાઈ રહેલી ડીજી કોન્ફરન્સમાં વડા પ્રધાન, ગૃહ પ્રધાન, ગૃહ રાજ્યપ્રધાન અને દેશના ટોચના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહેવાના હોવાથી તેમજ ધોરડોથી પાકિસ્તાન સરહદ માત્ર ૧૭૦ કિલોમીટરના અંતરે આવેલી હોવાથી ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપના કમાન્ડો, ઈન્ટેલિજન્સ એજન્સીના ૧૦૦ જેટલા અધિકારીઓ, છ આઈપીએસ, ૧૨ ડીવાયએસપી વગેરે મળી ગુજરાતના ૧ હજાર જેટલા પોલીસ કર્મચારીઓ ખડેપગે રહેશે.

આ ઉપરાંત રણમાં સુરક્ષા વ્યવસ્થા માટે ઊંટ, વોચ ટાવર અને બલૂનથી એરિયલ સર્વેલન્સ કરાશે. ઊંટથી પાકિસ્તાન સરહદે ઉપરાંત ટેન્ટ સિટીની ફરતે પેટ્રોલિંગ કરવામાં આવશે. ટેન્ટ સિટીમાં ૨૦૦ નાઈટ વિઝન સીસીટીવી, ચાર વોચ ટાવર ગોઠવવામાં આવ્યા છે. વીવીઆઈપીઓની સુરક્ષા માટે સેન્ટ્રલ આઈબીના વડા દિનેશ શર્માની રાહબરી હેઠળ ગુજરાતના ડીજીપી પી. સી. ઠાકુરે સમગ્ર આયોજન ગોઠવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter