આદિપુરના ચાર્લી સર્કલને ચેપ્લિન ફેસ્ટિવલમાં આમંત્રણ

Wednesday 14th September 2016 07:51 EDT
 
 

આદિપુરઃ વિશ્વના મહાન કલાકાર ચાર્લી ચેપ્લિનનો જન્મદિન કે પુણ્યતિથિ આદિપુરની ‘ચાર્લી સર્કલ’ના કલાકારો ધામધૂમથી ઉજવીને ચેપ્લિનને છેલ્લાં ત્રણ દાયકાથી શ્રદ્ધાંજલિ આપે છે. વર્ષ ૧૯૮૨માં કચ્છના કલાકારો એલ એલ ચીનીઆરા, સ્વ. પ્રકાશ રાવલ, પ્રદીપ જોશી, ખુશાલ પાટણિયા, સ્વ. સુધીર પીનારા, ડો. અશોક આસવાણી, સુભાષ થવાણી વગેરેએ આ સંસ્થાની સ્થાપના કરી હતી.
વર્ષ ૨૦૦૪માં ઓસ્ટ્રેલિયન ફિલ્મ મેકર કેથરીના મિલાર્ડે ચેપ્લિન પર ‘ધ બૂટ કેક’ નામની દસ્તાવેજી ફિલ્મ બનાવી ત્યારે આ ગ્રુપની મદદ લીધા પછી આ શહેર ચાર્લી સંબંધિત પ્રવૃત્તિ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યું હતું. એ પછી ૧૬ એપ્રિલના રોજ સ્પેનના જાણીતા પત્રકાર, ફોટોગ્રાફર ક્રિસ્ટીના ડી મિડલે આદિપુરની મુલાકાત લીધી હતી કે જે સ્વિત્ઝર્લેન્ડમાં ચેપ્લિન પર થનારા ભવ્ય ઉત્સવના પ્રોજેક્ટ ઇન્ચાર્જ છે. વેવેયમાં જિંદગીના છેલ્લા ૨૫ વર્ષ ચાર્લીએ જ્યાં ગાળ્યા તે જગાએ દસેક એકરમાં વિશાળ મ્યુઝિયમ બનાવાયું છે જ્યાં વિશ્વકક્ષાનો પ્રથમ ચાર્લી ફેસ્ટિવલ થવાનો છે. તેમાં ‘ચાર્લી સર્કલ’ના ડો. અશોક આસવાણીને પ્રોજેક્ટના મુખ્ય પાત્ર ધ પરફેક્ટ મેન બિરુદ મળવાનું હોવાથી ગ્રુપના સભ્યોને પણ સ્વિત્ઝર્લેન્ડનું આમંત્રણ અપાયું છે. નવમી સપ્ટેમ્બરથી ‘ચાર્લી સર્કલ’ના સભ્યો એક સપ્તાહ સુધી આ ફેસ્ટિવલના મહેમાન છે અને ૧૫મીએ કોન્ફરન્સમાં ડો. અશોક આસવાણી ચાર્લી વિશે વકતવ્ય પણ આપશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter