આફ્રિકાના યુગાન્ડામાં કચ્છીઓનાં પ્રદાનની નરેન્દ્ર મોદીએ નોંધ લીધી

Wednesday 01st August 2018 11:19 EDT
 
 

નાઈરોબી, ભુજઃ કચ્છી લેવા પટેલ સમાજ યુગાન્ડા-કંપાલા દ્વારા નૂતન સંકુલ વિકાસ જેમાં મંદિર, આવાસીય યોજના, હોસ્પિટલ સહિતના સૂચિત પ્રોજેક્ટથી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના આફ્રિકા પ્રવાસ દરમિયાન માહિતગાર કરાયા હતા. તાજેતરમાં યુગાન્ડા મુલાકાત વખતે કચ્છીઓના મહત્ત્વની નોંધ મોદીએ પણ હોંશભેર લીધી હતી. યુગાન્ડા વસતા રાજેશ હીરાણીએ જણાવ્યું કે, મોદીના આવવાથી યુગાન્ડામાં ભારતીયોની શાખ વધી છે. વીજળી અને માળખાકીય ક્ષેત્રે થયેલી મદદથી સ્થાનિક લોકો ખુશ થયા હતા. દેશ-વિદેશમાં લોકપ્રિય એવા મોદીને કચ્છીઓએ તેમની મહત્ત્વાકાંક્ષી આવાસીય યોજના વિશે પણ જણાવ્યું હતું. ફોટડીના અને મોમ્બાસામાં રહેતા દાનવીર હસમુખભાઈ કાનજી ભુડિયા દ્વારા સમાજ સંકુલ માટે લેવાયેલી જહેમત તથા ટોરોરો સિમેન્ટ માધ્યમે યુગાન્ડામાં આવેલા બાંધકામ ક્રાંતિની વાત જાણી મોદીએ કહ્યું હતું કે, ‘કચ્છી જ્યાં જાય ત્યાં બીજું કચ્છ ઉભું કરે...’ કંપાલા લેવા પટેલ સમાજ પ્રમુખ નીતિનભાઈ વેકરીયાએ સંકલનમાં સહયોગ આપ્યો હતો. કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ હિતેશભાઈ જેસાણી અને કારોબારી સભ્ય બાબુભાઈ કારા, ધનજીભાઈ હિરાણી, સહિતનાએ ભુજ સ્વામીનારાયણ મંદિરના વડીલ સંતોની મહેનતથી કંપાલામાં સત્સંગનો રંગ હોવાની માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, નાઈરોબી અને મોમ્બાસાની જેમ કંપાલામાં પણ કચ્છીઓ આવાસીય યોજના ઉભી કરવા જઈ રહ્યા છે. મુલાકાત વખતે હિન્દી સિનેજગતની મશહૂર અભિનેત્રીઓ મુમતાઝ માધવાણી, જૂહી ચાવલા, સહિત વિવિધ ઉદ્યોગ ગૃહોના માલિકો તે સમયે ઉપસ્થિત રહ્યા હતા. મોદી સેરેના હોટલમાં ઉતર્યા હતા જ્યાં સવારના નાસ્તામાં પણ કચ્છી આગેવાનો જોડાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter