એક જ પોસ્ટ ઓફિસમાં કર્મચારીઓ, એજન્ટો દ્વારા રૂ. ૮.રપ કરોડનું કૌભાંડ

Monday 08th February 2021 04:52 EST
 

ભુજઃ રાજ્યના પોસ્ટ ઓફિસ વિભાગનું ભુજમાં સંભવતઃ સૌથી મોટું કહેવાતું રૂ. ૮ કરોડ કરતાં વધુ રકમનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો તાજેતરમાં કચ્છ-રાજકોટ ડિવિઝનનાં પોસ્ટ માસ્ટર જનરલે સ્વીકાર કરવાની સાથે સમગ્ર મામલે સીબીઆઈ મારફત તપાસ કરાવવા માટે દરખાસ્ત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે, ભુજની જૂની રાવલવાડી પોસ્ટ ઓફિસમાં એજન્ટના માલેતુજાર પતિએ પોસ્ટના સંબંધિત કર્મચારીઓ સાથે મળીને સેવિંગ્સ અને રિકરિંગના ૮૭ ખાતાઓમાં રૂ. ૮.રપ કરોડનું કૌભાંડ આચર્યું હોવા અંગે તપાસનો દોર છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યો હતો.

જોકે, આ અંગે સ્થાનિક અધિકારીઓએ ભેદી મૌન સેવી રાખ્યું હતું. ડિવિઝનના પોસ્ટ માસ્ટર જનરલ રાકેશ કુમારે જણાવ્યું હતું કે, ભુજની જૂની રાવલવાડી વિસ્તારમાં કાર્યરત પોસ્ટ ઓફિસમાં છેલ્લા ઘણા સમયથી કૌભાંડ આચરવામાં આવી રહ્યું હતું, જેની જાણ થતાં તુરંત જ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. આ માટે સ્થાનિક ઇન્સ્પેક્ટર સાથે પોસ્ટ માસ્તર સહિતની ટીમ દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલી તપાસમાં અંદાજિત રૂ. આઠ કરોડ જેટલી રકમનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જોકે આ કૌભાંડના છેડા હજી ક્યાં સુધી પહોંચે છે એ તપાસ ચાલુ છે. કૌભાંડનો આંક આથી પણ વધે તેવી પણ શક્યતાઓ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter