એશિયાના સૌથી ધનિક માધાપરમાં નોટબંધીથી બેંકમાં ડિપોઝીટોનો વધારો

Wednesday 30th November 2016 07:53 EST
 
 

ભુજઃ કચ્છમાં આવેલા અને લેવા પટેલોની વસતી ધરાવતા તથા તેના થકી જ એશિયાના સૌથી ધનવાન ગામનું બિરુદ મેળવેલા માધાપરની બેંકોમાં નોટબંધી ૧૫૦થી ૨૦૦ કરોડ વધુ ઠાલવવા કારણભૂત બનશે તેવા અણસાર છે. હાલ ગામમાં રકમ ઉપાડનો રેશિયો માત્ર ૨૦ ટકા છે તો સામે જમા કરાવવાની રકમનો રેશિયો ૮૦ ટકા છે. મે માસમાં એકત્ર વિગતમાં માધાપરમાં ૧૮ બેંક તથા પોસ્ટમાં મળીને રૂ. ૩૪૭૭ કરોડની ડિપોઝીટ હતી. લંડન, અમેરિકા, અખાતના દેશો, આફ્રિકા તથા ઓસ્ટ્રેલિયા રહેતા એનઆરઆઈ તથા સ્થાનિક પટેલો થકી આ ગામ કુબેરના ભંડાર જેવું છે. આ કારણે જ દર વર્ષે અહીં એક નવી બેંક ધામા નાંખે છે. સંભવત માધાપર એવું ગામ હશે જે એશિયામાં સૌથી વધુ બેંક ધરાવતું હશે ત્યારે નોટબંધીથી સ્થાનિક પટેલોએ પણ બેંકોમાં નાણા ઠાલવતાં ગામની ડિપોઝીટ રૂ. ૩૬૭૭ કરોડથી ઉપર જાય તેવું જાણકારોએ જણાવ્યું હતું. સ્થાનિકો ખેતીના વ્યવસાય તથા એનઆરઆઈઓ સાથે સંકળાયેલા હોવાથી રોજિંદા વ્યવહાર તથા ખરીદી માટે ઘરમાં પણ મોટી રોકડ રાખતા હોય છે. હાલમાં આ નાણા પણ બેંકમાં જમા થઈ રહ્યા છે. જેથી ગામની બેંકોની સ્થિતિ વધુ સદ્ધર થશે. જાણકારોએ જણાવ્યું હતું કે, ૧૮ બેંક તથા પોસ્ટ ઓફિસ એમ મળીને ૧૯ સ્થાને ૩૦મી ડિસેમ્બર સુધી નાણા જમા કરાવનારાની સંખ્યા રોજની સરેરાશ  ૬૦૦થી ૭૦૦ની ગણીએ અને વ્યકિત દીઠ ઓછામાં ઓછા રૂ. ૫૦ હજાર લેખે ગણીએ તો પણ રૂ. ૧૫૦ કરોડથી વધુનો આંકડો થાય. આ ઉપરાંત નોટબંધીના કારણે ભારત બહાર વસતા એનઆરઆઈઓ પોતાની ઈન્ડિયન કરન્સી સંબંધીઓની મદદથી પાછી બેંકમાં મૂકવાની ગોઠવણમાં લાગી ગયા છે. આમ આ નાણું પણ બેંક ખાતામાં જમા થઈ રહ્યું છે. સામાન્ય ગણતરીમાં પણ રૂ. ૨૦૦ કરોડથી વધુનો આંક પહોંચે છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter