કચ્છના ખેલાડીઓને કેન્યામાંથી ક્રિકેટ રમવાની તક

Wednesday 12th September 2018 07:30 EDT
 
 

ગાંધીધામઃ આફ્રિકાના કેન્યામાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે વિવિધ ટીમોની પસંદગી માટે મોમ્બાસા ક્રિકેટ એસોસિએશનના વરિષ્ઠ સદસ્ય થોમસ ઓડોયોએ તાજેતરમાં ગાંધીધામની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, ભારતના ખેલાડીઓ ક્રિકેટ રમવા કેન્યા આવશે તેનાથી તેઓને વિશાળ તકો મળશે. કચ્છ ડિસ્ટ્રીકટ (ગ્રામ્ય) ક્રિકેટ એસોસિએશન સાથે બેઠક બાદ તેમણે કહ્યું હતું કે, ભારતમાં ક્રિકેટ અત્યંત લોકપ્રિય છે અને આ રમત માટે તમામ સ્તરે કોચ મળી રહે છે. ખાસ તો ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નાં આયોજને વિશ્વના ઊગતા ક્રિકેટરોને વિકાસનું ફલક આપ્યું છે.
ઓડોયોએ તથા મોમ્બાસા ક્રિકેટ એસોસિએશનના ડિરેક્ટર મનોજભાઇ પટેલે કહ્યું હતું કે, ડિસેમ્બરમાં ૧૩થી ૧૯ તારીખ સુધી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ યોજાશે. જેમાં કુલ્લ ૫૦ આમંત્રિત ટીમો ભાગ લઇ શકશે. ભારતમાં દિલ્હી, સુરત, વડોદરા, અમદાવાદ અને હવે કચ્છમાં ટીમ પસંદગીનો દોર ચાલ્યો છે. આ ટુર્નામેન્ટમાં રમનાર ખેલાડી જો સારું પ્રદર્શન કરશે તો તેમને ઇનામ સ્વરૂપે કેન્યામાં રમવાનો કોન્ટ્રેકટ મળશે. આ માટે ત્યાં જવા-આવવા, રહેવાનો કુલ ખર્ચ વ્યક્તિદીઠ રૂ. ૭૫ હજાર છે. જે ખેલાડી કે સ્પોન્સરે ભોગવવાનો રહેશે. શરૂઆતમાં ડીપીએસ ગ્રાઉન્ડમાં મોમ્બાસા ક્રિકેટ એસોલિએશનના આ સભ્યો કચ્છ ડિસ્ટ્રીક્ટ રૂરલ ક્રિકેટ એસો.ના બાળ ખેલાડીઓને હોંશભેર મળ્યા હતા. બાળકોએ તેમના ઓટોગ્રાફ પણ લીધા હતા. રૂરલ એસોસિએશનના અધ્યક્ષ ચંદ્રશેખર અયાચીએ પણ આ અંગે કહ્યું હતું કે, ભારતીય અને ખાસ તો કચ્છના ખેલાડીઓ કેન્યામાં રમશે તો તેમને એક વિશાળ એકસ્પોઝર મળશે. ઉપરાંત ત્યાંના મેદાન અને રમત માટેની તૈયારીનો અનુભવ પણ મળશે. આ પ્રસંગે મોમ્બાસા ટીમના પસંદગીકારો સત્યપાલ યાદવ, ભરત પટેલ, રમણભાઇ પટેલ, કેન્યાના અન્ડર-૧૯ ટીમના કોચ જીમી કભાન્ડે હાજર હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter