કચ્છના ગાંડા બાવળમાંથી હવે બનશે બિસ્કિટ, કોફી અને શક્તિવર્ધક ટોનિક

Monday 20th December 2021 04:59 EST
 
 

ભુજઃ કચ્છમાં ચારેતરફ ગાંડા બાવળનું સામ્રાજય ફેલાયેલું છે. અત્યાર સુધી તો તેનો કોલસો બનાવવા સિવાય કોઇ ઉપયોગ થયો નથી. જોકે હવે ગાંડા બાવળના દિવસો બદલાયા છે એમ કહીએ તો ખોટું નથી. વૈજ્ઞાનિકોએ એક અભ્યાસના આધારે ગાંડા બાવળમાંથી પ્રોટીનથી ભરપુર બિસ્કિટ, કોફી અને શક્તિવર્ધક સિરપ પણ બની શકે છે તેવો અભિપ્રાય રજૂ કરતાં સુકાભઠ્ઠ વિસ્તારમાં રોજગારીના નવા દ્વાર ખુલવાના ઉજળા સંજોગ સર્જાયા છે.
ગાઇડ સંસ્થાના ડાયરેક્ટર તરીકે કાર્યરત ડો. વિજય કુમારે તેમના ઇઝરાયલના પ્રખ્યાત વિજ્ઞાની સાથીદાર ડો. યુરિયલ સાથે મળીને કરેલા રિસર્ચ પેપરમાં ગાંડા બાવળના અઢળક ફાયદા ગણાવ્યા છે. ડો. વિજય કુમારે જણાવ્યું હતું કે, સૌને નડતરરૂપ બાવળમાંથી અનેક ચીજવસ્તુઓ બની શકે છે. જેમ કે બિસ્કીટ, કોફી, કેટલ ફીડ, સીરપ વગેરે. કચ્છમાં રણને આગળ વધતું અટકાવવા મોટા ભાગના તમામ વિસ્તારમાં બાવળ જોવા મળે છે ત્યારે એમાંથી નવી રોજગારી પૈદા થઇ શકે તેમ છે. ગાંડા બાવળથી બન્નીમાં ખાસ કરીને ત્યાંની ઇકોસિસ્ટમાં પણ ફેરફાર લાવી શકાય છે.
ડો. કુમાર વધુમાં કહે છે કે, ગાઇડ સંસ્થા લાંબા સમયથી બાળવ અંગે સંશોધન કરી રહી છે. વિશ્વની ૧૦૦ ટોચની તીવ્ર ઝડપે ફેલાતી વનસ્પતિઓમાં બાવળનો સમાવેશ થાય છે, પરંતુ તેના કેટલાક ફાયદા પણ છે જેના અંગે લોકો અજાણ છે.
ગ્લોબલ જર્નલ ઓફ સાયન્સ ફ્રન્ટીઅર રિસર્ચ કે જે અમેરિકાથી પ્રકાશિત થાય છે તેમાં રજૂ કરેલા રિસર્ચ પેપરમાં આ બંને વૈજ્ઞાનિકનું સંશોધન પ્રકાશિત થયેલું છે. જેમાં જણાવ્યું છે કે, આ બાવળ પ્રોટીન, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ અને ગ્લુકોઝની ભરપૂર હોવાથી તેનો વિવિધ ખાધ પદાર્થો બનાવી શકાય એમ છે. તેના ઉપયોગથી પશુઆહારથી માંડીને બિસ્કીટ, કોફી જેવા ખાદ્યપદાર્થ બની શકે એમ છે તો વૃદ્ધો અને બાળકો માટે શક્તિવર્ધક ટોનિક પણ બની શકે છે.
ડો. વિજય કુમારનું કહેવું છે કે, આ બાવળની એક માત્ર નકારાત્મક બાબતે એ છે કે તે ઝડપથી પ્રસરે છે. જો તેની ડાળીઓને વૃક્ષના રૂપમાં ઉછેરવામાં આવે તો તેનું લાકડું ટીકવૂડ જેવું જ મજબૂત અને ઉપયોગી છે. ટીકવુડની સરખામણીને સસ્તા ફર્નિચર પણ બનાવી શકાય છે. કચ્છના બન્ની જેવા ઘાસિયા મેદાનમાં પુષ્કળ પ્રમાણમાં ગાંડા બાવળ જોવા મળી છે ત્યારે તેના અનેક ફાયદાઓ છે. આ બાવળનો સદુપયોગ કરવા માટે જો યોગ્ય નીતિ બનાવવામાં આવે તો રોજગારીના નવા દ્વારા ખુલ્લી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter