કચ્છના છ મતદાન મથક સાવ સંપર્કવિહોણા!

Wednesday 03rd April 2019 09:47 EDT
 

ભુજઃ એક તરફ સરકાર ડિજિટલ ઈન્ડિયાના ગાણા ગાઈ રહી છે અને બીજી તરફ દેશનો કેટલોક વિસ્તાર એટલો પાછળ છે કે ત્યાં મતદાન કેન્દ્ર કે સંદેશાવ્યવહારને લગતી કોઇ સગવડ જ નથી. કચ્છની છ વિધાનસભા બેઠકના ૧૮૪૬ બૂથ વચ્ચે અબડાસા મત વિસ્તારના છ મતદાન કેન્દ્ર એવાં છે જે સાવ જ સંપર્ક વિહોણા છે.
દરેક ચૂંટણી વખતે ચૂંટણીતંત્ર તરફથી સંવેદનશીલ ઉપરાંત અતિસંવેદનશીલ મતદાન મથકો અલગ તારવવામાં આવે છે, પરંતુ આ વખત પહેલી વાર એવું બન્યું છે કે સંદેશાવ્યવહાર એટલે કે કોઇ જાતના સંપર્ક ન થઇ શકતો હોય તેવા છ બૂથ અલગ તારવાયા છે. આ તમામ મથકો કચ્છના અબડાસા વિધાનસભા મતવિસ્તારમાં આવે છે. ચૂંટણીતંત્રે જુમારા, સૂરજપર, સણોસરા, કરોડિયા મોટા, નારાણપર અને પાનેલી બૂથને અતિસંવેદનશીલ અને સંપર્કવિહોણા ગણાવ્યા છે. હકીકત એવી છે કે આ છ ગામોમાં જ્યાં મતદાન થવાનું છે એ ગામમાં એકેય લેન્ડલાઇન ટેલિફોન નથી. મોબાઇલનું નેટવર્ક મળતું નથી એટલે મોબાઇલ લાગે જ નહીં. જો ચાલુ મતદાને કોઇ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક સંપર્ક કેવી રીતે કરવો? તેની મૂંઝવણ ચૂંટણીતંત્રને પણ છે.
વૈકલ્પિક તૈયારી
આવા સંજોગોમાં શું કરવું? એ માટે થોડી વૈકલ્પિક વ્યવસ્થા ચૂંટણીતંત્ર દ્વારા હાલમાં વિચારાઈ રહી છે.
બીએલઓ, મધ્યાહ્ન ભોજન યોજનાના સંચાલક, વાજબી ભાવના દુકાનદારને બોલાવી તેમના મોબાઇલ નંબર મેળવી તેમને મતદાન મથકથી નજીક જ્યાં મોબાઇલ નેટવર્ક મળતું હોય ત્યાં બેસાડી રાખવા જ્યાં ટેકરા જેવો વિસ્તાર હોય ત્યાંથી જો મોબાઇલ નેટવર્ક પકડાઈ તો ત્યાંથી સંપર્ક થઇ શકે. એવું આયોજન થઈ રહ્યું છે.
આ બેઠકો પરથી લોકસભા ચૂંટણી - ૨૦૧૯માં અંદાજિત સાત હજારથી વધારે મતદારોનો ગણતરી થઈ છે.
આવા સંજોગોમાં એક વિચારણા એવી પણ છે કે અહીં વાયરલેસ ઇન્ટરનેટ સુવિધા ઊભી કરવામાં આવે. આ અંગે નાયબ ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે કે, અબડાસાના આ છ મથકો સંપર્કવિહોણા છે, પરંતુ અમે આ સંપર્કવિહોણી બેઠકોના મતદારો સુવિધાજનક રીતે મતદાન કરી શકે એવી પરિસ્થિતિ ઊભી કરવા માગીએ છીએ. કોઈ પણ વિકટ પરિસ્થિતિને નિવારવા ચૂંટણીતંત્ર સક્ષમ બને એ માટે અહીં ઇન્ટરનેટની વ્યવસ્થા કરવાનું આયોજન ચાલે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter