કચ્છના રણમાં ૨૪ વર્ષ પહેલા ગુમ થયેલ કેપ્ટનને સરકાર શોધશે? સુપ્રીમ કોર્ટની નોટિસ

Wednesday 17th March 2021 03:44 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતની સર્વોચ્ચ અદાલતે ૧૨ માર્ચે એક આદેશમાં, ૧૯૯૭થી ગુમ થયેલ લશ્કરના કેપ્ટન સંજીત ભટ્ટાચાર્જીના માતાએ કરેલી અરજી પર વિચારણા માટે સંમતી દર્શાવી છે. કેપ્ટન સંજીત ભટ્ટાચાર્જી એપ્રિલ ૧૯૯૭માં પોતાની ટીમ સાથે પાકિસ્તાનની સરહદે આવેલા કચ્છના રણમાં પેટ્રોલિંગ માટે ગયા હતા અને ત્યારથી લાપતા છે.
ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટની બેન્ચે ગુમ થયેલા કેપ્ટનના મુદ્દે કેન્દ્ર સરકાર અને રક્ષા મંત્રાલયને નોટિસ આપી જવાબ માંગ્યો છે. બેન્ચે લાપતા કેપ્ટન સંજીત ભટ્ટાચાર્જીના માતાના વકીલને જણાવ્યું હતું કે, આવી બીજી ઘટનાઓને પણ ધ્યાન પર લાવો, જેથી સુપ્રીમ કોર્ટ એ બાબતે માહિતી મેળવી શકે.
આ કેસની વિગત એવી છે કે કેપ્ટન સંજીત ૧૯-૨૦ એપ્રિલ ૧૯૯૭ની રાત્રે પોતાની ટીમ સાથે પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા. જોકે, બીજા દિવસે લશ્કરી ટુકડીના ૧૫ સભ્યો કેપ્ટન અને તેમના શેડો લાન્સ નાયક રામબહાદુર થાપા વગર જ પરત ફર્યા હતા. તે સમયે પણ કેપ્ટન સંજીતની શોધખોળ કરાઇ હતી, પણ કોઇ પતો લાગ્યો નહોતો. વીતેલા વર્ષો દરમિયાન વિવિધ સ્તરે રજૂઆતો થઇ હતી. જોકે લાપતા કેપ્ટનની ભાળ મેળવવામાં સંબંધિતો નિષ્ફળ રહ્યા હતા.
આ દરમિયાન કેપ્ટન સંજીતના પિતાનું નવેમ્બર ૨૦૨૦માં નિધન થયું હતું. ૮૧ વર્ષના માતાએ લગભગ ૨૪ વર્ષ સુધી લાપતા પુત્રની રાહ જોયા બાદ આખરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટના કેપ્ટન સંજીતને શોધવા સરકાર અને રક્ષા મંત્રાલયને આદેશ આપવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. કોર્ટે આ અરજીને સુનાવણી માટે સ્વીકારીને સંબંધિતો પાસે જવાબ માગ્યો છે.




to the free, weekly Gujarat Samachar email newsletter