કચ્છના રાજવી પરિવારમાં મિલ્કત વહેંચણી મુદ્દે ૩૫ વર્ષે સુખદ સમાધાન

Thursday 16th July 2015 07:30 EDT
 
 

ભૂજઃ કચ્છના રાજવી-જાડેજા પરિવારમાં છેલ્લા સાડાત્રણ દાયકાથી મિલકતની વહેંચણી સહિતના મુદ્દે ચાલતા વિવાદ અને કાનૂની જંગમાં અંતે સુખદ સમાધાન થયું છે. ભારતની સુપ્રીમ કોર્ટની સલાહ મુજબ અને કચ્છના વતની એવા અગ્રણીઓની મધ્યસ્થી દ્વારા સફળ પ્રયાસથી વિવાદનો અંત આવ્યો છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધિશ આર. વી. રવીન્દ્રનની આ માટે વિધિવત રીતે નિમણૂક થયા પછી બંને પક્ષ અને સંબંધિતોને સાથે રાખીને થયેલી સમાધાનની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી.

દેશના રજવાડાઓના ઇતિહાસમાં વડોદરાના મહારાવ પરિવાર પછી અબજો રૂપિયાની સંપત્તિ ધરાવતા આ બીજા કિસ્સામાં સંબંધિત તમામ પક્ષોએ થયેલા સમાધાન મુજબ આ વિવાદમાં થયેલા તમામ કેસ પરત ખેંચવા અને બધાને માન્ય હોય તે રીતે મિલકતની વહેંચણી કરવી તેવું નક્કી કર્યું છે. આ સમાધાન દ્વારા કચ્છના તત્કાલીન મહારાવ મદનસિંહજીની ચોથી પેઢીએ આ વિવાદનો ૩૫ વર્ષ પછી ઉકેલ આવ્યો હતો. આ માટે સંબંધિત સભ્યો ઉપરાંત વકીલો વગેરેની હાજરીમાં બે બેઠક દિલ્હીમાં અને ત્રણ બેઠક મુંબઇમાં મળી હતી. ન્યાયાધિશ રવીન્દ્રનની અધ્યક્ષતામાં રાજવી પરિવારના વર્તમાન મોભી અને તત્કાલીન યુવરાજ પૃથ્વીરાજસિંહ જાડેજા (પ્રાગમલજી ત્રીજા) અને તેમનાં પત્ની પ્રીતિદેવી ઉપરાંત તેમના પક્ષે મૂળ કચ્છના મુંબઇસ્થિત અગ્રણી રવીન્દ્રભાઇ સંઘવી, ભૂજના રાજવી પરિવારના વકીલ ભરતભાઇ એમ. ધોળકિયા, રાકેશકુમાર અને બાલાજી સમાધાન માટેની પ્રક્રિયામાં જોડાયા હતા. રાજપરિવારના સંબંધિત તમામ સભ્યો એવા મ.કુ. હનુવંતસિંહનાં પત્ની રોહિણીદેવી અને બે પુત્ર પ્રતાપસિંહ અને સત્યવાનસિંહ, મહારાવ મદનસિંહના પૂર્વ સેક્રેટરી રાજપૂત ક્ષત્રિય સમાજના વરિષ્ઠ અગ્રણી નારાણજીભાઇ કલુભા જાડેજા, મ.કુ. સ્વ. ભૂપતસિંહની પુત્રીઓ નરેન્દ્રકુમારીબા અને બ્રિજરાજકુમારીબા અને નરેન્દ્રકુમારીબાના પતિ તથા રાજપરિવારની ચોથી પેઢીના સભ્ય એવા હનુવંતસિંહના પૌત્ર અનિરુદ્ધસિંહ સહિતના સભ્યો ઉપરાંત ધારાશાત્રીઓ પ્રવીણ પારેખ, રંજના રોહતગી અને સુમિત ગોયલ વગેરે આ બેઠકો અને પ્રક્રિયામાં જોડાઇને ચર્ચા બાદ સમાધાન આણવામાં સામેલ થયા હતા. આ સમગ્ર કેસની વિગતો એવી છે કે વર્ષ ૧૯૮૦માં મિલકતના ભાગલા મુદ્દે પૃથ્વીરાજસિંહજીએ તેમના પિતા મહારાવ મદનસિંહજીની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જેની સાથે આ સમગ્ર વિવાદ ઊભો થયો હતો. આ પછી મદનસિંહજી દ્વારા તેમનું વીલ બનાવાયું હતું. જેને પડકારતો કેસ પણ પૃથ્વીરાજસિંહજી દ્વારા કરાયો હતો. ધીમેધીમે વિવાદ ઘેરો બનતા મહારાવ મદનસિંહજીની બે બહેનો દ્વારા પણ મ.કુ. હનુવંતસિંહ સામે કેસ કરાયો હતો. જે પછી કચ્છના રાજવી પરિવારનો આ સમગ્ર મામલો ભારે પેચીદો અને કાનૂની ગૂચવણવાળો બની ગયો હતો.

છેલ્લા સાડાત્રણ દાયકાથી ચાલતા આ વિવાદમાં અત્યાર સુધી અનેક ઉતાર-ચડાવ અને નાની-મોટી ઘટનાઓ બની હતી. પૃથ્વીરાજસિંહજી ગુજરાત હાઇ કોર્ટમાં આ કેસોમાં હાર્યા બાદ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. જ્યાં સુપ્રીમ કોર્ટે આપેલી સમાધાનની સલાહ સહુએ સ્વીકારતા આ વિવાદનો યોગ્ય ઉકેલ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દેશની આઝાદી બાદ વિવિધ પ્રદેશોના અનેક રાજવીઓમાં વિવિધ મુદ્દે વિવાદ અને કાનૂની કેસ ઊભા થયા છે અને ચાલી રહ્યા છે. અત્યાર સુધીના ઇતિહાસમાં એકમાત્ર વડોદરા રાજવી પરિવારના કેસમાં સમાધાનથી સુખદ ઉકેલ આવ્યો છે.

કોને શું મળશે?

સૂત્રોના જણાવ્યા મુજબ મહારાવ પ્રાગમલજી ત્રીજાને માંડવી શહેર નજીકનો વિજયવિલાસ પેલેસ મળ્યો છે. તેમને અને તેમના ભાઇ ભૂપતસિંહને ભૂજમાં કોલેજ રોડસ્થિત રણજિતવિલાસ પેલેસ અપાયો છે. ભૂજમાં પાટવાડી નાકે આવેલ કોટડીબાગ મ.કુ. હનુવંતસિંહને અપાયો છે. જ્યારે દરબાર ગઢનો આયના મહેલ અને પ્રાગમહેલ સિવાયનો બાકીનો હિસ્સો પ્રાગમલજી ત્રીજાના બે બહેનોને ફાળે આવ્યો છે. કચ્છના રાજ પરિવારની ટ્રસ્ટને અગાઉથી અપાયેલી મિલકતો એવી ભૂજનો શરદબાગ, આયના મહેલ અને પ્રાગ મહેલ ટ્રસ્ટ હસ્તક જ રાખવાનો પણ નિર્ણય થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter