કચ્છના ૨૭૪ ગામમાં નવા વર્ષે પાળિયાપૂજન

Wednesday 14th November 2018 06:12 EST
 
 

અમદાવાદઃ કચ્છના ર૭૪ ગામોમાં નવા વર્ષના પ્રથમ દિવસે હજારો લોકો દ્વારા પોતાના સુરાપુરાના પાળિયાની પૂજા કરવામાં આવી હતી. ઝારાના ઐતિહાસીક યુદ્ધમાં ખપી ગયેલા આશરે પ૦ હજારથી વધુ શૂરવીરોની યાદમાં ઉભેલા પાળિયા કચ્છના સમર્પણ, ત્યાગ અને બલિદાનની સાક્ષી પુરે છે. ધડ ધિંગાણે જેના માથા મસાણે એના પાળિયા થઈને પૂજાવું રે, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું... ખૂબ જ પ્રચલિત આ ભજનમાં માર્મિક રીતે કહેવાયેલા પાળિયાના મહત્ત્વ અનુસાર કચ્છના પ્રજાજનોમાં બેસતા વરસના દિવસે જ પાળિયાની પૂજા કરવાની એક પ્રાથા પણ ચાલી આવે છે. કચ્છના ઈતિહાસવિદ્ જયવિરસિંહ સોઢા આ અંગે પ્રકાશ પાડતા વધુમાં જણાવે છે કે, કચ્છના આશરે ર૭૪ ગામમાં આવા પાળિયા આવેલા છે. અમુક ગામોમાં તો પ૦-૧૦૦ જેટલા પાળિયાની સંખ્યા પણ છે. સૌથી વધુ ધૂનેરીમાં ર૦૦ જેટલા પાળિયા છે. આ પાળિયા સાથે કોઈને કોઈ યુદ્ધનો ઈતિહાસ જોડાયેલો છે. રણભૂમિમાં શૂરવીરતા દાખવીને ખપી ગયેલા આ વડીલોના આશીર્વાદ લેવા માટે વર્ષના પ્રાથમ દિવસે તેના પાળિયાને સિંદૂર ચડાવીને કસુંબો ધરવામાં આવે છે. ફક્ત ક્ષત્રિયો જ નહીં, બ્રાહ્મણ સહિતની તમામ જ્ઞાતિ-જાતિના લોકોના પાળિયા કચ્છમાં છે. તમામ લોકોએ વિદેશી આક્રમણ સામે એક જૂથ થઈને માતૃભૂમિની રક્ષા કરી હતી.
કચ્છના ઈતિહાસ સાથે બે સૌથી મોટા યુદ્ધો જોડાયેલા છે. વર્ષ ૧૮૧૯માં સિંધના ગુલામશા કલોળાએ કચ્છની ધરતી પર આક્રમણ કર્યું હતું. આ સમયે વિંજાણના સર સેનાપતિ લાખાજીરાજની આગેવાનીમાં ઝારાનું યુદ્ધ ખેલાયું હતું. જેમાં કચ્છના તમામ જ્ઞાતિ-જાતિના આશરે પ૦ હજાર જેટલા સૈનિકો ખપી ગયા હતા. તેના પાળિયા ગામે ગામ આવેલા છે.
આ ઉપરાંત ૧૭૭પમાં ભુજીયાના કિલ્લા પર અમદાવાદના શેર બુલંદખાને ચડાઈ કરી હતી. આ વખતે કચ્છના સૈનિકો ઉપરાંત અહીથી નારાયણ સરોવર જઈ રહેલી દિગમ્બર સંતોની ફોજ પણ તેમાં હોમાઈ ગઈ હતી. અલબત, યુદ્ધમાં કચ્છમાં વિજય થયો હતો. તેના પાળિયા પણ છે. આ ઉપરાંત સ્થાનિક નાના-મોટા યુદ્ધ અને અન્યાય સામે લડતા લડતા શહીદ થયેલા લોકોના પાળિયા કચ્છમાં છે.
કચ્છના ભીમાસર, ધુનેરી, મુળુ, અકરી, આસંબીયા, કોજાચરા, મુથાળ, પીપળી, વાંઢાય તીર્થ, વિંજાણ, વરંડી, ઘેડી, લલીયાણા વગેરે ગામો પાળિયા માટે જાણીતા છે. આ સિવાય પણ ઘણા બાધા ગામોમાં સીમાડે ઉભેલા પાળિયા શૌર્ય ગાથા ઉજાગર કરે છે. જો કે જાળવણીના અભાવે સેંકડો પાળિયા વેરવિખેર થઈ ગયા છે. અનેક પાળિયા નષ્ટ થઈ ગયા છે. થોડા સમયથી આવેલી જાગૃતિના કારણે હવે પાળિયાનું મહત્ત્વ થોડું વધ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter