કચ્છની ખારેકમાંથી ડેટવાઈન બનશેઃ આબુ રોડ પર વાઈનરીની સ્થાપનાનું આયોજન

Wednesday 21st March 2018 10:07 EDT
 
 

અમદાવાદ: કચ્છમાં ઉગતી ખારેકમાંથી બનેલો ૯૦,૦૦૦ લીટર ડેટ વાઈન થોડા સમયમાં બજારમાં મળશે. ખારેકના ઊંચા ભાવ મેળવવા કચ્છી ખારેકમાંથી વાઈન બનાવવાના પ્રયોગો ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોએ વાઈનના ઉત્પાદન માટે રાજસ્થાનની સરહદે વાઈનરી સ્થાપી છે.
ગુજરાત ડ્રાય સ્ટેટ હોવાથી ગુજરાત-રાજસ્થાન સરહદે આબુરોડ - સિરોહી નજીકના વિસ્તારોમાં વાઈનરી પ્લાન્ટનું આયોજન કરાયું છે. હાલમાં આબુરોડ આસપાસના વિસ્તારોમાં કચ્છના ખેડૂતોની બે વાઇનરી છે. આ વાઈનરીઓએ રાજસ્થાન સરકાર સાથે એમઓયુ કર્યાં છે અને તેમાંથી એક વાઈનરીમાં હાલમાં ૯૦,૦૦૦ લીટર વાઈન તૈયાર થઈ રહ્યો છે. બીજા વાઈનરી પ્લાન્ટની કામગીરી ચાલી રહી છે.
વાઈન પ્રક્રિયા
વાઈનરીમાં ખારેકના પલ્પને મોટા કન્ટેનરમાં ભરીને તેમાં આથો આવે તેવી વ્યવસ્થા છે. આશરે બે મહિના સુધી પલ્પ ગળવા દેવાય છે. એ પછી કેટલીક પ્રક્રિયા બાદ વાઈન બને છે. અત્યાર સુધી ભારતમાં દ્રાક્ષનો વાઈન પ્રચલિત હતો. ખારેકનો વાઈન પ્રથમ વખત બજારમાં આવશે.
કચ્છમાં આ વર્ષે લગભગ ૨૦ હજાર હેક્ટરમાં ખારેકનું ઉત્પાદન થયું છે. દર વર્ષે અહીં લગભગ બે લાખ ટન ખારેકનું ઉત્પાદન થાય છે. બરહી ડેટ કહેવાતી આ ખારેકનું મૂળ અખાતી દેશોમાં ઉત્પાદન થાય છે. આ ખારેકની મોસમ ટૂંકા ગાળાની હોય છે. જોકે ખારેકનો મબલખ પાક હોય છે. જેના કારણે ઘણીવાર ખારેકના પોષણક્ષમ ભાવ મળતાં નથી. કેટલાક સંશોધનો બાદ કચ્છી ખેડૂતોને જણાયું કે ખારેકમાં શર્કરા વધુ હોવાથી તેમાંથી સારી ગુણવત્તાનો વાઈન બની શકે છે. તેથી આ વાઈનરી પ્લાન્ટ બનાવાયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter