કચ્છની ધરતી પર હવે થશે મશરૂમ

Wednesday 15th March 2017 08:33 EDT
 
 

ભુજઃ લોકબોલીમાં ‘બિલાડીનો ટોપ’ તરીકે જાણીતું ‘મશરૂમ’ શાકાહારી પાક હોવા છતાં લોકોના ખાણામાં જોઈએ એટલાં પ્રચલિત નથી અને આજે પણ લોકોનો એક વર્ગ મશરૂમ બિનશાકાહારી ઉત્પાદન છે એવું માને છે. હકીકતમાં મશરૂમ સંપૂર્ણ શાકાહારી ખાદ્ય વસ્તુ છે. પર્યાવરણક્ષેત્રે ‘ગાઇડ’ના નામથી જાણીતી સંસ્થાએ કચ્છમાં આવેલા તેમની સંસ્થાની ઓફિસના પરિસરમાં મશરૂમની કેટલીક જાતને વિકસાવી છે. જો આ ઉત્પાદન અંગેનાં આગામી પરીક્ષણો સફળ રહેશે તો કચ્છમાં પર્યાવરણની દૃષ્ટિએ, ખોરાકની દૃષ્ટિએ અને આર્થિક દૃષ્ટિએ પણ પાસું પલટાવનારા છોડ તરીકે મશરૂમની ગણતરી થશે.
‘ગાઇડ’માં કાર્યરત યુજીસીના પોસ્ટ ડોક્ટરલ ફેલો ડો. જી. જયંતી કે. કાર્તિકેયને કચ્છમાં મશરૂમના વિકાસ માટે પરીક્ષણ હાથ ધર્યું છે. મુન્દ્રા રોડ પર આવેલા ‘ગાઇડ’ના પરિસરમાં મશરૂમને વિકસાવવાનો પ્રયાસ ચાલે છે. ડો. વિજયકુમાર અને તેમની ટીમ અત્યારે તો ખાસ આછા ગુલાબી અને સફેદ એમ બે મશરૂમની જાત વિકસાવવા પર વધુ ધ્યાન આપી રહી છે. ડો. વિજયકુમાર જણાવે છે કે, ભારતમાં મશરૂમના વાવેતરની શરૂઆત વર્ષ ૧૯૫૨થી થઈ હતી અને એ પછી પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ તેનાં મુખ્ય હબ બની ગયાં છે. હકીકતમાં કચ્છમાં મશરૂમ ઉત્પાદનને અનુકૂળ વાતાવરણ હોવા છતાં અહીં તેના વિશે વિચારવામાં જ આવ્યું નથી.
જોકે ભરપૂર પોષકતત્ત્વો, લો સોડિયમ, ઝીરો કોલેસ્ટ્રોલ, એન્ટિઓક્સીડેન્ટ અને લોહીને શુદ્ધ રાખવાનો ગુણ ધરાવતા હોવાથી મશરૂમની માગ વધી રહી છે.
ડો. વિજયકુમાર કહે છે કે, હાલમાં ‘ગાઇડ’ની કચ્છ ઓફિસમાં મશરૂમની સફેદ, ગ્રે ઓસ્ટર, પિન્ક ઓસ્ટર, મિલ્કી મશરૂમ, એલ્મ અને શિટેક જેવી જાત વિકસાવવામાં ધ્યાન અપાઈ રહ્યું છે. જોકે આ માટેનાં બીજ હાલમાં સંસ્થા પાસે નથીતેથી સુરતથી મંગાવવામાં આવ્યાં છે, પણ ‘ગાઈડ’ના બીજ ઉત્પાદનના પણ પ્રયાસો ચાલે છે જ અને નજીકના ભવિષ્યમાં સંસ્થા કચ્છમાં રસ ધરાવનારાઓને તેનાં બીજ આપી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter