કચ્છની બે નગરપાલિકાને રૂ. પાંચ કરોડ ફાળવાયા

Friday 03rd July 2015 08:42 EDT
 

ભૂજ અને માંડવી શહેરમાં નવી નખાયેલી ભૂગર્ભ ગટર લાઈનો દરમિયાન ખોદાયેલા માર્ગના નવીનીકરણ માટે ભૂજ નગરપાલિકાને બીજા હપ્તાની જ્યારે માંડવીને પ્રથમ હપ્તાના મળી કુલ રૂ. પાંચ કરોડની ફાળવણી થઇ છે. ગાંધીનગરમાં ગત સપ્તાહે રાજ્યની ૧૩ નગરપાલિકાના પ્રમુખને અંદાજે રૂ. ૧૩ કરોડના ચેક અર્પણ કરાયા હતા. જે અંતર્ગંત કચ્છમાંથી માંડવી નગરપાલિકાને પ્રથમ હપ્તા પેટે સૌથી વધુ સવા ત્રણ કરોડની રકમનો ચેક પ્રમુખ અરવિંદ ગોહેલને અર્પણ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ કાર્ય માટે પ્રથમ હપ્તાનો ચેક ભૂજ નગરપાલિકાને અપાયો હતો અને બાકીની રકમ રૂ. ૧.૮૯ કરોડનો બીજો ચેક મુખ્યપ્રધાન આંનંદીબેન પટેલના હસ્તે પ્રમુખ હેમલતાબહેન ગોરને અપાયો હતો.

ઉદ્યોગપતિ નવનીતભાઈ શાહનું નિધનઃ કચ્છના ખનિજ ઉદ્યોગને વિશ્વસ્તરે લઈ જનારા આશાપુરા માઈનકેમના સ્થાપક અને ઉદ્યોગપતિ નવનીતભાઈ શાહનું નિધન થતાં કચ્છના ઉદ્યોગજગતમાં શોક ફેલાયો છે. મૂળ ભાવનગરના નવનીતભાઈ બર્માથી પાછા ફર્યા બાદ પોતાના વતન જિલ્લામાં બેન્ટોનાઈટની ફેક્ટરી શરૂ કરી હતી. પછી ૧૯૬૪માં કચ્છમાં બેન્ટોનાઈટ એટલે કે મગમાટીની શોધ કરી. કચ્છના લખપત, અબડાસા અને માંડવીમાં ઉચ્ચકક્ષાનું બેન્ટોનાઈટ મળી આવતાં તેમણે થોડા પ્રયોગ કરી તેને વિશ્વસ્તરે લઈ ગયા. ૧૯૬૭માં તેમણે સ્થાપેલી આશાપુરા માઈનકેમ આજે વટવૃક્ષ બની ગઈ છે.




to the free, weekly Gujarat Samachar email newsletter