કચ્છમાં અખાત્રીજે પાટીદારો દ્વારા સમૂહલગ્નો યોજાયા

Thursday 23rd April 2015 07:46 EDT
 

ભૂજઃ અત્રાત્રીજના પવિત્ર દિવસે કચ્છમાં વિવિધ સમાજમાં સમૂહલગ્નોત્સવનું મોટા પ્રમાણમાં આયોજન થયું હતું. કોટડામાં કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા ગોકુળધામ ખાતે ૧૬મા સમૂહલગ્નના આયોજનમાં દસ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. પશ્ચિમ કચ્છમાં કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત સમૂહલગ્નોત્સવમાં ૧૧૮ નવદંપતી જોડાયા હતાં. જેમાં સૌથી વધુ સંખ્યા દયાપર ખાતે ૩૧ યુગલોની રહી હતી. જ્યારે રવાપર-૧૪, નેત્રા-૭, મથલ-૧૯, વિથોણ-૨૪, વિરાણી-૪, નખત્રાણા-૧૫ અને કોટડા(જ)માં ૪ યુગલોએ વિવાહ કર્યા હતા. લખપત તાલુકા કડવા પાટીદાર સમાજ આયોજિત ૨૫મા સમૂહલગ્નોત્સવમાં ૩૧ યુગલોને આશીર્વાદ આપતાં સમાજ પ્રમુખ જશવંતભાઈ પટેલે કહ્યું હતું કે, એક પણ દીકરીના આંખમાં આંસુ ન આવે તોનો ખ્યાલ રાખજો, જે ઘરમાં નારીનું સન્માન થાય છે ત્યાં જ સુખ હોય છે.

લેઉવા પાટીદાર સમાજ રાપર તથા લેઉવા પાટીદાર યુવક મંડળ મુંબઇ દ્વારા અખાત્રીજ નિમિત્તે રાપરના લેઉવા પાટીદાર કન્યા છાત્રાલય ખાતે યોજાયેલા ૧૬મા સમૂહ લગ્નોત્સવમાં ૪૨ નવયુગલોએ ભાગ લીધો હતો. આ સમારંભના પ્રમુખસ્થાને કાનજીભાઇ હરિભાઇ રાવરિયા રહ્યા હતા. રાપર ચોવીસીના પ્રમુખ નારણભાઇ ચૌધરી, ભચુભાઇ આરેઠિયા, મનજીભાઇ ભાટેસરાના માર્ગદર્શન હેઠળ આ પ્રસંગનું આયોજન થયું હતું. આ સમૂહલગ્નના સંપૂર્ણ દાતા માતૃશ્રી નવલબેન રાજાભાઇ ભૂરાભાઇ ભૂષણ પરિવાર (દેશલપર) હસ્તે ધનલક્ષ્મીબેન લખમણભાઇ ભૂષણ અને કાંતાબેન વાલજીભાઇ ભૂષણ રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter