કચ્છમાં ગામડાં નષ્ટ થઈ રહ્યા છેઃ ૪૭ ગામ સંપૂર્ણપણે વેરાન

Wednesday 10th April 2019 08:19 EDT
 

અમદાવાદઃ ભૌગોલિક, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક રીતે ગુજરાતના નકશામાં વિશિષ્ટ છાપ ધરાવતા સૌથી મોટા જિલ્લા કચ્છના ગામડાંઓ તૂટી રહ્યા છે. ખેતીપ્રધાન દેશ ભારતનો મુખ્ય ભાગ ગણાતા ગામડાઓની ઓછી થઈ રહેલી સંખ્યા અને ખેતી કે પશુપાલન જેવા વ્યવસાય તરફથી નવી પેઢી મોઢું ફેરવી રહી હોવાની બાબતને સમાજશાસ્ત્રીઓ ગંભીર ચિંતાનો વિષય ગણાવી રહ્યા છે.
કચ્છમાં ગામડાઓની સંખ્યાના સરવૈયા જોઈએ તો હાલ જિલ્લામાં ૪૭થી વધુ ગામડાં ઉજ્જડ બની ગયા છે. હવે કોઈ માનવ વસતી નાથી. આ પૈકીના ઘણા ખરા ગામડાં તો આઝાદી બાદ ઉજ્જડ બન્યાં છે. જરૂરિયાતો ન સંતોષાતા લોકો ગામડું છોડીને અન્યત્ર વસવાટ કરતા જતાં રહ્યા છે.
શહેરોમાં ગમે એવા વૈભવી મકાનમાં ઠાઠ-માઠથી રહેતા લોકોને પણ ગામડાં પ્રત્યે ચોક્કસ પ્રકારનો વિશેષ લગાવ હોય છે. ગામડાંનું પ્રદૂષણ વગરનું સ્વચ્છ વાતાવરણ અને પ્રાકૃતિક માહોલ શહેરી લોકોને તેના તરફ આકર્ષે છે. તેથી ફાર્મહાઉસનું ચલણ વધી ગયું છે. જોકે, સામા પક્ષે ગામડાંના લોકો હવે શહેરો તરફ દોટ મૂકે છે અને ગામડાં ખાલી થઈ રહ્યા છે. કચ્છ જિલ્લાના સંદર્ભમાં ર૦૧૧ની વસતી ગણતરી વખતે નોંધાયેલા આંકડા જોવાય તો કચ્છમાં કુલ ૯ર૪ પૈકી ૮૭૭ ગામડામાં માનવ વસતી છે. બાકીના ૪૭ ગામ ઉજ્જડ એટલે કે માનવ વસવાટ વગરના થઈ ગયા છે.
ફક્ત રેકર્ડ પર આવા ગામડાંનું અસ્તિત્વ છે. અલબત, તેમાં ઘણા ઐતિહાસિક ગામડાંઓ પણ સામેલ છે. વર્ષ ૧૯૬૧માં કચ્છમાં માનવ વસવાટ ધરાવતા ગામડાંઓની સંખ્યા ૯૦પ હતી, જે ઘટીને ૮૭૭ થઈ ગઈ છે!
ગામડાંમાં વસતી પ્રજા
કચ્છની કુલ ર૦.૯ર લાખની વસતીમાં ૧૩.૬૩ લાખ લોકો ગામડાઓમાં વસવાટ કરી રહ્યા છે. આ સંખ્યામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. કચ્છના ૧૦૬ ગામડાં એવા છે જેની વસતી ર૦૦ વ્યક્તિઓ કરતાં ઓછી છે એટલે કે આ ગામડાઓમાં હવે ૬૦-૭૦ પરિવારો માંડ રહેતા હશે. અબડાસા, લખપત, ભુજ અને નખત્રાણા તાલુકાઓમાં આવા ગામડાંઓની સંખ્યા વધારે પ્રમાણમાં છે.
ભૂતકાળમાં ગામડાંઓને ગોકુળિયા બનાવવાની વાતો તો બહુ થઈ છે, પરંતુ આજ સુધીમાં સ્થિતિમાં ખાસ સુધારો થયો નથી. કચ્છના ગામડામાં ખેતી કે પશુપાલન કરતા લોકોનું જીવન-ધોરણ આજે પણ અઢારમી સદી જેવું જ રહ્યું છે. જેના કારણે નવી પેઢી હવે ગામડાઓમાં રહેવા તૈયાર નથી. ઔદ્યોગિકરણ અને આધુનિકરણ તરફની આંધળી દોટમાં કચ્છનો ગ્રામ્ય વિસ્તાર તેની ઓળખ ગુમાવી રહ્યો છે.
ગામડાંની સાથે વિસરાતી જતી સંસ્કૃતિ
કચ્છમાં ગામડાંઓ તૂટવાની સાથે સંસ્કૃતિ પણ વિસરાઈ રહી છે. ભરતકામ તેમજ સૂડી-ચપ્પા જેવી હસ્તકલા થકી કચ્છની સંસ્કૃતિ એક સમયે આખા ગુજરાતમાં પહોંચતી હતી. કચ્છની ભાષા પણ ગુજરાતમાં સૌથી અનોખી છે, પરંતુ આજની મોટાભાગની યુવા પેઢીને કચ્છની શુદ્ધ ભાષા પણ બોલતા નહીં આવડતું હોય! આગામી એક જ પેઢીમાં કચ્છની આ તમામ સંસ્કૃતિ ધરમુળમાંથી બદલાઈ જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter