કચ્છમાં દસ વર્ષ લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે. લુપ્તપ્રાય થવાના આરે પહોંચેલા ઘોરાડ (ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ) પક્ષીના બચ્ચાના કલરવથી કચ્છનું રણ ગુંજી ઉઠ્યું છે. ગુજરાત-રાજસ્થાનના વન વિભાગે ભારે જહેમત ઉઠાવીને પાર પાડેલા આ અત્યંત રોમાંચક અને ઐતિહાસિક ઓપરેશનની જીત છે. ગ્રેટ ઇંડિયન બસ્ટર્ડ પક્ષીને બચાવવા પ્રયત્નશીલ ગુજરાત અને રાજસ્થાનના વન વિભાગ તેમજ વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ આ માટે ‘જમ્પસ્ટાર્ટ એપ્રોચ’ નામની આધુનિક ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. કચ્છમાં હાલ માત્ર ત્રણ માદા ઘોરાડ હોવાથી કુદરતી પ્રજનનની સંભાવના નહીંવત હતી. આ પડકારને પહોંચી વળવા રાજસ્થાનમાંથી એક ફર્ટાઈલ ઈંડાને કચ્છ લઇ જવા પહોંચાડવા નિર્ણય લેવાયો હતો. ઈંડાને પોર્ટેબલ ઇન્ક્યુબેટરમાં મૂકીને 770 કિમીનું અંતર કાપી અબડાસાના નલિયા ખાતે લાવી તેને માદા ઘોરાડના માળામાં મૂકી દેવાયું હતું. હવે આ ઈંડામાંથી તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો છે. આ ઘટના માત્ર કચ્છ માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારત માટે વન્યજીવન સંરક્ષણમાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ છે.


