કચ્છમાં મીઠાનું વિક્રમજનક 1.5 કરોડ ટન ઉત્પાદન

Saturday 06th August 2022 12:44 EDT
 
 

ગાંધીધામઃ દેશમાં ઉત્પાદિત થતાં કુલ નમકમાંથી 70ટકા માત્ર કચ્છમાં જ થાય છે. નાનું - મોટું રણ હોય કે દરિયાકિનારો જ્યાંત્યાં નમકની સફેદી જ સફેદી નજરે પડે છે. આ વર્ષે દોઢ કરોડ ટન જેટલું રેકર્ડ બ્રેક મીઠું ઉત્પાદિત થતાં કચ્છના ઉદ્યોગગૃહોની માંડીને નાના અગરિયાઓ સુધી આનંદની લહેર છે. બીજી તરફ સરકારના કેટલાક નિયમો અને જૂની લીઝો રિન્યુમાં સરળતા થાય તેવું આ ક્ષેત્રના ઉદ્યોગકારો ઇચ્છી રહ્યા છે. કચ્છમાં સંભવિત સર્વાધિક રોજગારી આપતા ઉદ્યોગ પર સરકારની મદદ મળતી રહે એવી સોલ્ટ ઇન્ડસ્ટ્રીને અપેક્ષા છે.
ગત વર્ષે કચ્છમાંથી વિદેશમાં અંદાજે ૮૫ ટકા લાખ ટન નમક એક્સપોર્ટ થતાં રૂ. 1500 કરોડનું હુંડિયામણ દેશને મળ્યું છે. આમ મીઠા ઉદ્યોગના માધ્યમથી રોજગારી સાથે અર્થતંત્રને પણ મજબૂતી મળી રહી છે. અગર માલિકો ખર્ચ કરીને પોતાના અગરોની નવી ડિઝાઇનો બનાવી ક્વોલિટીને વધુ બહેતર બનાવવા પ્રયત્નશીલ બની રહ્યા છે.

અગરમાં 90ટકા શ્રમજીવી સ્થાનિક
વર્ષોથી મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલા નીલકંઠ ગ્રૂપના શામજીભાઇ કાનગડના કહેવા પ્રમાણે કચ્છમાં ખેતી અને નમક એમ માત્ર બે જ એવા ધંધા છે જેમાં 90 ટકા સ્થાનિકોને રોજગારી પ્રાપ્ત થાય છે. તેમાં અગરીયા, ડ્રાઇવરો, ઇલેક્ટ્રિશ્યન, સુપરવાઇઝર વગેરેનો સમાવેશ થાય છે.

દેશ-વિદેશમાં પહોંચે છે કચ્છનું મીઠું
કચ્છમાં 18 ફેક્ટરીઓ છે. જેમાં દર વર્ષે 25 લાખ ટન અને એક કિલોના પેકિંગ કરીને દેશના દરેક શહેરો દરેક વિસ્તાર અને વિદેશમાં મોકલાય છે. આ ફેક્ટરીઓમાં આશરે 9 હજાર લોકો કામ કરે છે. તેમ કચ્છના સોલ્ટ એસોસિયેશનના સૂત્રધારોએ જણાવ્યું હતું.
કચ્છના અર્થતંત્રનો પ્રાણવાયુ
કચ્છમાં ભૂકંપ બાદ ઉદ્યોગો આવ્યો, વિકસ્યા અને રોજગારીની સંભાવનાઓને વિકાસ થયો છે. જોકે મોટા ભાગના ઉદ્યોગો એવા હતા જેના મુખ્ય કેન્દ્રો દેશ કે વિદેશમાં બહાર હતા. આથી જે તે ઉદ્યોગની મુખ્ય કમાણીનો મોટો હિસ્સો બહાર જતો હતો. જોકે મીઠા ઉદ્યોગમાં મહત્તમ એકમના માલિકો સ્થાનિક હોવાથી એક્સપોર્ટ થકી દેશમાં આવતા કરોડોના વિદેશી હુંડિયામણ અને આવકનો લાભ સ્થાનિક સ્તરે જ ગાંધીધામ અને આખા કચ્છને મળે છે. રોજગારીની વિશાળ તકો અને રોકાણથી લોકોના હાથમાં રૂપિયા આવે છે. આમ તેમની ખરીદશક્તિ વધતા સ્થાનિક બજાર વધુ મજબૂત બને છે. નાનામાં નાના વ્યક્તિને રોજગારીથી લઇને કરોડો રૂપિયાના ટર્નઓવરથી ધમધમતા રિઅલ એસ્ટેટ સુધી આ ઉદ્યોગની ઉંડી અસર થતી હોવાનો આર્થિક નિષ્ણાતોનો મત છે.

ઉદ્યોગ અને પર્યટનમાં ફ્ળ્યું
કચ્છમાં મીઠું કુદરતે આપેલા એવા આશીર્વાદ છે. એક તરફ આખા દેશના ભોજનને કચ્છનું મીઠું વધુ સ્વાદિષ્ટ બનાવી રહ્યું છે. તો બીજી બાજુ કચ્છના સફેદ રણમાં પથરાયેલું મીઠું પ્રવાસઓને આકર્ષી રહ્યું છે. અહીંનું ‘સફેદ રણ’ દુનિયાભરના પ્રવાસીઓમાં જાણીતું બન્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter