કચ્છી ગધેડાને રાષ્ટ્રીય માન્યતાઃ ગુજરાતની નારી અને ડગરી ગાયનો પણ સમાવેશ થયો

Friday 27th March 2020 05:36 EDT
 
 

ભુજ: મહાશિવરાત્રિના પર્વએ જ જાહેર થયું કે, ભારત સરકારની બ્રિડ રજિસ્ટ્રેશન કમિટીની મિટિંગમાં કચ્છી ગધેડાની માન્યતાને મંજૂરી અપાઈ છે અને સમગ્ર કચ્છમાં કચ્છી ગધેડાની વસ્તી આશરે ૩૦૦૦થી ૪૦૦૦ જેટલી છે. નવી દિલ્હીમાં ઘોષણા થઈ કે ભારતમાં હિમાચલના સ્પીતી, જામનગરના હાલારી પછી કચ્છના કચ્છી ગધેડાને દેશની ગધેડાની ત્રીજી ઓલાદ તરીકે માન્યતા મળી છે અને કચ્છી ગધેડાને રજિસ્ટ્રેશન નંબર મળશે.
આ બેઠકમાં દેશની કુલ ૧૩ નવી પશુ ઓલાદોને માન્યતા અપાઈ છે જેમાં કચ્છી ગધેડા સાથે નારી ગાય અને ડગરી ગાય એમ ગુજરાત રાજયની ત્રણ પશુ ઓલાદોનો સમાવેશ થાય છે. ભારત સરકાર દ્વારા હવેથી માન્યતા પ્રાપ્ત પશુ ઓલાદોને ભારત સરકારના ગેઝેટ નોટીફિકેશનમાં પ્રસિદ્ધ કરાય છે. કચ્છી ગધેડાને માન્યતા મળે તે માટે સહજીવન સંસ્થા દ્વારા છેલ્લા પાંચ વરસથી થતા પ્રયાસોમાં રાજય પ્રધાન તથા સાંસદો તરફથી પણ સહયોગ મળતો હતો.
પહેલાં કુંભાર અને માલધારી સમુદાય મોટી સંખ્યામાં કચ્છી ગધેડા ઉછેરતો હતો. કચ્છના કબીર મેકરણદાદાએ પોતાના માનીતા લાલિયા ગધેડાને માનવ સેવાના કામે લગાડી ગધેડાની જાતને પણ આદર અને સન્માન આપ્યું હતું. જોકે કચ્છી ગધેડાની સંખ્યા ઘટતી જાય છે. દેશના અન્ય ગધેડાની ઓલાદોની સરખામણીમાં કચ્છી ગધેડા વિશિષ્ટ ગુણો ધરાવે છે. કચ્છી ગધેડા ઉનાળામાં ૫૦ ડિગ્રીથી પણ વધુના ધોમધખતા તાપમાં મીઠાના રણમાં ચાલીને કામ વેંઢારી શકે છે. પીઠ ઉપર ક્વિન્ટલથી પણ વધુ વજન સાથે પહાડ ચડી જવો એ પણ એકમાત્ર કચ્છી ગધેડામાં ખૂબી છે. પાવાગઢ, શેત્રુંજય, જૂનાગઢ જેવા પહાડોની ઉંચાઈએ પણ માલસામાન ચડાવવા માટે કચ્છી ગધેડાનો જ ઉપયોગ થાય છે.
કચ્છના માટીકામ કરતા કુંભાર કારીગરો, માટી અને તૈયાર માટલા ઉપાડવા માટે ગધેડાનો ઉપયોગ કરે છે. પચ્છમ, અબડાસા, લખપતના નાના ખેડૂતો પોતાની ખેતીમાં ખેડ માટે પણ કચ્છી ગધેડાનો ઉપયોગ કરતા જોવા મળે છે. બન્ની, ભુજ અને અન્ય વિસ્તારોમાં ગધેડા ગાડી દ્વારા લાકડાં, માલ સામાન માટે ખૂબ મોટાપાયે ઉપયોગ કરાય છે. ઉપરાંત, વાગડના અમુક માલધારી લોકો પોતાના માલઢોર સાથે લાંબા અંતરના સ્થળાંતરમાં ઘર વખરીનો સામાન ઉપાડવા કચ્છી ગધેડાનો ઉછેર કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter