કચ્છી બોલપેન અને બટન પણ લાખના!

Saturday 28th November 2020 05:24 EST
 
 

નિરોણા (પાવરપટ્ટી): ભરત-ગૂંથણ, કાષ્ઠ કોતરણી, માટીની કુંભકલા, હાથસાળની વણાટકલા, પતરાની ખરકી કલા, કાપડની પેચકલા, રંગોની રોગાનકલા, ચામડામાંથી સર્જાતી ચર્મકલા, ભીંડીના બંધને બંધાતી બાંધણીકલા કે પછી કલાત્મક બીબાંથી બનતી અજોડ અજરખકલા દરેક કસબ પોતપોતાની આગવી પરંપરા ધરાવે છે. પાવરપટ્ટીનું નિરોણા પણ આવી જ એક હસ્તકલાનું કેન્દ્ર છે. રાજાશાહી કાળમાં ખાટલા અને ખાટલીના પાયા, મોટી ખાંડણી, મોરી, ડોયા, ઢીંચણિયા, મંજી, વેલણ જેવી મોટા કદની કૃતિઓ કંડારી લાખકામથી સજાવવામાં આવતી હતી. હવે બદલાતા સમયને અનુરૂપ આ કલાના કારીગરોએ કોઠાસૂઝથી બદલાવ આણીને નાના કદની આબેહુબ કૃતિઓ કંડારવામાં પણ ભારે માહિર બન્યા છે.
નિરોણાસ્થિત આ કલાના યુવા ઉત્સાહી કારીગર વાઢા ભૈયા (ભાવિક) ભચાયાએ છેલ્લા એકાદ દાયકાથી પોતાના પરંપરાગત કસબમાં ભારે બદલાવ આણ્યો છે. ખાસ કરીને રણોત્સવને પગલે આ ગામે દેશી-વિદેશી પર્યટકોના વધતા વ્યાપને લઇ આ કસબી હવે મોટા કદની કૃતિઓને બદલે ટચૂકડા વેલણ, મુખવાસની દાબડી, કંકાવટી, હીરવટી, ભમરડા જેવી આબેહુબ કૃતિઓનું નિર્માણ કરે છે, તેમાં પણ છેલ્લે કોટ-બંડીના લાખ અને કોતર કલાના મિશ્રણથી નિર્માણ થતાં બટને ભારે આકર્ષણ જમાવ્યું છે. તો આ જ કારીગરે લીસ્સી લાકડી પર લાખની લોર (લ્હેર) કળા આલેખી નિર્માણ કરેલ લેખિની (બોલપેન)ની ભારે બોલબાલા છે.
દેશી હોય કે વિદેશી પોતાના ખિસ્સામાં લાખ કંડારેલી બોલપેન રાખીને ભારે ગર્વ અનુભવે છે. અને એટલે જ લાખકળામાં લપેટાયેલી કલાત્મક બોલપેન વિદેશમાંથી આવતા ‘ગોરા’ લોકોની ‘ફર્સ્ટ ચોઇસ’ બની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter