કચ્છી મહિલા ૫૪ વર્ષે માતા બનીઃ લગ્નજીવનના ૩૦ વર્ષ પછી સંતાનપ્રાપ્તિ

Wednesday 22nd February 2017 07:22 EST
 
 

અમદાવાદઃ ભચાઉમાં રહેતા ૫૪ વર્ષીય મહિલાના ઘરે ૩૦ વર્ષે પારણું બંધાયું છે. ત્રણ દાયકા બાદ મહિલાએ ૧૦મી ફેબ્રુઆરીના દિવસે દીકરીને જન્મ આપ્યો હતો. સંતાન પ્રાપ્તિ માટે દંપતીએ તમામ પ્રકારના વિકલ્પો અજમાવી લીધા હતા. તેમ છતા સંતાન પ્રાપ્તિથી તેઓ વંચિત રહ્યા હતા. અમદાવાદની ખાનગી હોસ્પિટલના ડોક્ટરે IVF ટેક્નોલોજીથી મહિલાને મોટી ઉંમરે સંતાન પ્રાપ્તિ શક્ય બનાવી હતી.
સામાન્ય રીતે ૪૦થી ૪૫ વર્ષ પછી સ્ત્રીઓનો મેનોપોઝનો સમયગાળો શરૂ થતો હોય છે, તેમાં સ્ત્રીની માતા બનવાની શક્યતા રહેતી નથી. જોકે હવે મેડિકલ સાયન્સે સ્ત્રી મેનોપોઝમાં હોય ત્યારે પણ સંતાન
સુખની પ્રાપ્તિ કરી શકે તે શક્ય બનાવ્યું છે.
૫૪ વર્ષીય સુશીલાબેન પ્રવીણભાઈ પંડ્યાના લગ્નને ૩૦ વર્ષ થયા હતાં. તેમણે કહ્યુ કે, આટલા વર્ષોથી બાળકની રાહ જોયા બાદ આ જન્મમાં ભગવાને મને માતા બનવાનું સુખ નહીં આપ્યું હોય તેમ માની લઈ કુદરત સામે હાર માની હતી. અમે સંખ્યાબંધ ડોક્ટરો, વૈદ્ય સહિતના તમામ વિકલ્પો અપનાવી લીધા હતા.
ડો. મેહુલ દામાણી અને તેમના પત્ની ડો. સોનલ દામાણી પાસે આશરે ૧૨ મહિના પહેલા ભચાઉનું આ દંપતી આવ્યું હતું. ડોક્ટર્સે સુશીલાબહેનની IVF ટ્રિટમેન્ટની શરૂઆત કરી હતી. ડો. મેહુલે દામાણીએ કહ્યું કે, સુશીલાબેન ૧૫ વર્ષથી મેનોપોઝ પિરિયડમાં હતા. તેમને બ્લડ પ્રેશર અને ડાયાબીટિસની પણ બીમારી હતી. આ સ્થિતિમાં ગર્ભધારણ પડકારજનક હતો. મેનોપોઝ અવસ્થામાં ગર્ભાશયની કોથળી સંકોચાય છે તેમજ ગર્ભાશયની દીવાલો સુકાઈ જતી હોય છે. દવાઓના ઉપયોગથી ૧૫ વર્ષથી અટકેલી માસિક આવવાની પ્રક્રિયા શરૂ કરાવી અને હોર્મોન્સ એક્ટિવ કર્યા હતા.
માતા ગર્ભ ધારણ કરી શકે તે માટે દવાઓની મદદથી ગર્ભાશયની વોલને મજબૂત બનાવવામાં આવી હતી અને ત્યારબાદ સ્ત્રી અને પુરુષ બીજને લેબોરેટરીમાં ફલિત કરી સુશીલાબહેનના ગર્ભમાં મૂકવામાં આવ્યું હતું. પ્રથમ પ્રયત્નમાં અમને નિષ્ફળતા મળી હતી જ્યારે બીજો પ્રયત્ન સફળ રહ્યો હતો. જોકે આઠમા મહિનામાં તેમને બ્લડ પ્રેશર અને શરીરમાં પાણીની તકલીફ થવાની શરૂ થઈ હતી. નવમા મહિનાના પહેલા અઠવાડિયામાં તેમને લેબર પેઈન શરૂ થયું હતું. તેમને તાત્કાલિક અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા. અહીં તપાસ કરતા તેમનું બ્લડ પ્રેશર ઘણું ઊંચુ આવ્યું હતું. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરીને સિઝેરિયનથી બાળકીનો જન્મ થયો હતો. જન્મ સમયે બાળકીનું બે કિલો ત્રણસો ગ્રામ હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter