કચ્છી લેવા પટેલ સમાજના શૈક્ષણિક સંકુલના વિકાસ માટે મોમ્બાસા નિવાસી દાતા દ્વારા વધુ રૂ. ૧૬ કરોડનું દાન

Monday 15th February 2021 04:58 EST
 
 

ભુજ: કચ્છી લેવા પટેલ સમાજ – ભુજ દ્વારા અવિરત ચાલતા વિકાસનાં ઐતિહાસિક કાર્યોમાં ફોટડીના મોમ્બાસાવાસી દાતા હસમુખભાઇ કાનજી ભુડિયા પરિવારે તાજેતરમાં રૂ. ૧૬ કરોડનું દાન આપી વિકાસકાર્યોને વધુ વેગ આપ્યો છે. આ દાન બદલ નર્સિંગ છાત્રાલયમાં કન્યાઓના પ્રવેશ પ્રસંગે ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયાએ દાતાઓનો આભાર માન્યો હતો. કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ સંચાલિત કચ્છી લેવા પટેલ નર્સિંગ ઇન્સ્ટિટયૂટ ઓફ એજ્યુકેશન એન્ડ પ્રેક્ટિસ ભુજમાં અભ્યાસ કરતી આશરે ૧૯૨ દીકરીઓ માટે સમાજના કન્યા રતનધામ અને સૂરજ શિક્ષણધામ નૂતન શૈક્ષણિક સંકુલ ટપકેશ્વરી રોડ પાસેના પરિસરમાં છાત્રાલય સુવિધા શરૂ કરાઇ હતી. નર્સિંગ કોલેજ શિક્ષણ માટે બિલ્ડિંગ નિર્માણાધીન છે.
અંદાજે ૪૭ એકરના આ વિવિધલક્ષી સંકુલ માટે ૨૦૧૯માં વિશ્વવાસી લેઉવા પાટીદારોના અગ્રીમ દાતા હસમુખભાઇ કાનજી ભુડિયાએ રૂ. ૨૭ કરોડ જેટલું દાન આપ્યું હતું. એ પછી અહીં નર્સિંગ કોલેજ, કન્યા સંસ્કારધામ, સ્પર્ધાત્મક પરીક્ષાઓનું ભવન, રમત-ગમત સુવિધા સહિતની સગવડો ઊભી કરવા વધુ રૂ. ૧૬ કરોડનું દાન અર્પણ કરાયાનું ગોપાલભાઇ માવજી ગોરસિયાએ જણાવ્યું હતું. આ સંકુલ ચોવીસીના વિશ્વભરમાં વસતા લેઉવા પટેલો માટે શિક્ષણ વિકાસ અને આત્મગૌરવનું કેન્દ્ર બનશે અને તે માટે યુવા દાતા હસમુખભાઇ ભુડિયા યશાધિકારી હોવાની લાગણી તેમણે વ્યકત કરી હતી. સંકુલની સુવિધા વિશે ટ્રસ્ટના મંત્રી કેશરાભાઇ રવજી પિંડોરિયાએ કહ્યું કે, અહીં કુમાર અને કન્યાઓના સર્વાંગી ઘડતરનું કાર્ય થશે. કુમકુમ તિલકથી નર્સિંગ કન્યાઓને પ્રવેશ આપતાં ટ્રસ્ટી કાન્તાબહેન લાલજી વેકરિયાએ છાત્રાલય સુવિધાથી ગ્રામ્ય કન્યાઓને મોટી રાહત થયાનું કહ્યું હતું. પ્રિન્સિપાલ પુનિત ગંગાવતે સ્વાગત, નર્સિંગ કોલેજના સ્ટાફે આયોજન વ્યવસ્થા સંભાળી હતી. આ પ્રસંગે શ્રેષ્ઠીવર્ય દાતા દેવશીભાઇ કરશન હાલાઇ, સમાજ પ્રમુખ વેલજીભાઇ પિંડોરિયા, ઉપપ્રમુખ માવજીભાઇ રાબડિયા, મંત્રી ગોપાલભાઇ ભીમજી વેકરિયા, ખજાનચી કરશનભાઇ મેપાણી (સૂરજપર), મનજીભાઇ વરસાણી, યુવક સંઘના ટ્રસ્ટી સુરેશભાઇ વાઘાણી, રવજીભાઇ ખેતાણી, કંચનબહેન વરસાણી, નીમુબહેન મેપાણી, મનીષાબહેન પટેલ સહિત ત્રણેય પાંખોના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાગલ ડાહીબહેન અને રંગાણી સૃષ્ટિએ આ કાર્યને પ્રોત્સાહક ગણાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટય અને પ્રાર્થના રજૂ કરાઇ હતી. છાત્રા ભૂમિકાબહેન અને શીતલ માધાપરિયાએ શબ્દ સંકલન કર્યું હતું. દાતા હસમુખભાઇની આ ઐતિહાસિક સેવાઓ હોવાનું જણાવતાં અરજણભાઇ પિંડોરિયાએ નવી પેઢીને પ્રેરણા લેવા જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter