કચ્છીઓ ગમે ત્યાં વસે, વતન માટે કંઈ ન કરે તો ખાધું ન પચેઃ મોદી

Wednesday 20th July 2016 07:45 EDT
 
 

ભુજ/નૈરોબીઃ વિશ્વમંચ પરથી કચ્છનો છટાથી ઉલ્લેખ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની આફ્રિકાની પાંચ દિવસીય મુલાકતમાં કેન્યા દેશની યાત્રાના અંતિમ તબક્કે કચ્છી આગેવાનોને મળ્યા હતા તે સાથે જ બોલ્યા હતા કે, કચ્છી વિશ્વમાં ભલે ગમે ત્યાં વસે, તે કચ્છ માટે કંઈ ન કરે તો તેને ખાધું જ ન પચે...’ મોદીના આ નિવેદનને સૌએ ખડખડાટ હાસ્ય અને તાળીઓથી વધાવી લીધું હતું.
કચ્છના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડાના નેતૃત્વમાં વડા પ્રધાને નૈરોબી વસવાટ કરતા મૂળ કચ્છી આગેવાનો સાથે મુલાકાત કરી હતી. પ્રારંભે ચાવડાએ શાલથી મોદીનું સ્વાગત કર્યું હતું. એ પછી ભૂજ સ્વામિનારાયણ મંદિરના કોઠારી અને કચ્છ દાનવીર રામજીભાઈ દેવજી વેકરિયાએ મહંત સ્વામી ધર્મનંદનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામીના નામોલ્લેખ સાથે ભુજ મંદિરના કોઠાર વતી ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું.
સાંસદે કચ્છીઓની સેવા પ્રવૃત્તિ કચ્છ સત્સંગ નૂતન સ્વામિનારાયણ મંદિરના નિર્માણ, નૈરોબી સમાજે ઉપલબ્ધ કરાવેલા સસ્તા આવાસ અને કચ્છી લેઉવા પટેલ સમાજ સ્કૂલ એલ આર એકેડમીના છાત્રોની આંતરરાષ્ટ્રીય સિદ્ધિ સહિત આફ્રિકામાં કચ્છીઓની હિજરત, આવાસ અને પ્રગતિથી વડા પ્રધાનને વાકેફ કરાવ્યા હતા. ટૂંકી મુલાકાતમાં કચ્છી ઉદ્યોગપતિ કે કે પટેલે કેન્યામાં યુવાનોએ કરેલી પ્રગતિની વાત કરી હતી. દીર્ઘદૃષ્ટિથી ભારતે કરેલી પહેલ માટે પટેલે ‘મોદી સાહેબ, ખૂબ ખૂબ આભાર’ કહીને હસ્તધૂનન કર્યું હતું.
આફ્રિકામાં કચ્છીઓનું સંગઠન, સેવાકાર્યો અને વહીવટી તંત્ર સાથેના તાલમેલને મોદીએ બિરદાવ્યા હતા. કચ્છી સાંસદે આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ પ્રાપ્ત કચ્છી લેઉવા પટેલ સમાજ સ્કૂલના તેજસ્વી છાત્રો રૂપલ રાબડિયા, રામ્યા યનમદ્ર, પાણી શુદ્ધિકરણ અને પર્યાવરણના પ્રોજેક્ટ માટે વિશાલ વેકરિયા અને માનસી આપ્ટેનું સન્માન કર્યું પણ કર્યું હતું.
લંગાટા ‘સેવા ઉત્સવ’
ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીની પ્રેરણાથી નૈરોબી ખાતે યોજાયેલા સર્વરોગ નિદાન, દંત ચિકિત્સા અને સારવાર મેગા કેમ્પમાં ૧૧૦૦ સ્થાનીયને તાજેતરમાં નિઃશુલ્ક સારવાર અપાઈ હતી. આ આયોજન વર્ષભર ચાલી રહેલી સેવા શ્રેણી અંતર્ગત કરાયું હોવાનું મંદિરના મંત્રી નારાણભાઈ ગોરસિયાએ કહ્યું હતું. શારીરિક-માનસિક પંગુ બાળકો માટે સહાય, ગરીબ દુઃખી લોકો માટે અનાજ, ગાયોને ચારો સહિત અનેકવિધ આયોજનો વર્ષભર ચાલી રહ્યા છે. યુવા પ્રવૃત્તિમાં વોલીબોલ સ્પર્ધાએ રંગ જમાવ્યો હતો. ઘનશ્યામ બાલસભા અંતર્ગત યાત્રા-પ્રવાસ, યુવતી શિબિર, મંદિર પ્રદક્ષિણા, પ્રભાતફેરી સહિતના અનેકવિધ આયોજનો થાય છે. ભુજ મંદિરના કૃષ્ણ પ્રિયદાસજી સ્વામી, શાસ્ત્રી અક્ષરપ્રિયદાસજી સ્વામી આદિ સંતો ઉત્સવ સંલગ્ન કાર્યોને ટ્રસ્ટી મંડળ સમેત માર્ગદર્શિત કરી રહ્યા છે. તાજેતરમાં મોદીની કેન્યા યાત્રા દરમિયાન કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિરની મહિલા બેન્ડે આકર્ષણ પણ જગાવ્યું હતું.
મોદીએે આમંત્રણ સ્વીકાર્યું
મોદી આફ્રિકામાં હતા ત્યારે આગામી માસે લંગાટામાં થનારા સ્વામિનારાયણ નૂતન મંદિર મહોત્સવમાં ઉપસ્થિત રહેવા વડા પ્રધાનને આમંત્રણ પત્રિકા પણ અપાઈ  હતી. આ પ્રસંગે મોદીએ ૨૦૧૦માં ભૂજ નૂતન મંદિર મહોત્સવ પ્રસંગને યાદ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter