કચ્છીઓની આ ભૂમિ રણ નહીં, અરણ્ય

Wednesday 03rd May 2017 09:33 EDT
 
 

ભુજઃ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી અને રોટરી ક્લબ ઓફ ભુજ કેપિટલ દ્વારા આયોજિત ત્રિદિવસીય એજ્યુકેશન એકસ્પો-૨૦૧૭ અને પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાનો શાનદાર અભિવાદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે પત્રકાર, લેખક, ઈતિહાસવિદ્દ પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાએ કચ્છીઓની ભૂમિ એ રણ નહીં પણ અરણ્ય છે તેવું કહીને અનેક સંસ્મરણો સાથે ઉપસ્થિતોને આઝાદીની લડતની સાક્ષાત અનુભૂતિ કરાવી હતી. વિષ્ણુભાઈએ કહ્યું હતું કે, દેશનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓ આજે ત્રિભેટે ઊભા છે. તેમની ચિંતા ન તો વાલીઓ કરે છે કે ન તો શિક્ષક કે ન તો શિક્ષણ. આવી કોમા જેવી સ્થિતિમાં કચ્છ યુનિર્સિટીમાં પ્રાણ પૂરવાનું શ્રેય કુલપિત સી. બી. જાડેજાને જાય છે. કચ્છ બધાનું લાડકું છે તેમ જણાવતાં વિષ્ણુભાઈએ ૧૯૬૮ના કચ્છ સત્યાગ્રહ પર પ્રકાશ પાડ્યો હતો. સમાજને જાગતો રાખવા ઈતિહાસને વાગોળવો જરૂરી હોવાનું કહી આઝાદીના લડવૈયાઓને તેમણે યાદ કર્યા હતા.
પ્રાસંગિક ઉદબોધનમાં કુલપતિ જાડેજાએ કચ્છ યુનિવર્સિટી તમામ આર્થિક વ્યવહારોમાં કેશલેસ હોવાનું કહી વિદ્યાર્થીઓ માટેની હેલ્પલાઈન સિસ્ટમનો વિષ્ણુ પંડ્યાના હસ્તે પ્રારંભ કરાવ્યો હતો.
આ અવસરે વિષ્ણુ પંડ્યાનું કે. એસ. કે. વી. ભારત વિકાસ ટ્રસ્ટ, ચાણક્ય ગ્રુપ, સમસ્ત બ્રહ્મસમાજ, સર્વ સેવા સંઘ, સાંધ્યદીપ, એન. પી. મહેતા ટ્રસ્ટ, માંડવીની વિખ્યાત વી. આર. ટી. આઈ., વિઝ્યુઅલ આર્ટ સંસ્થા, રોટરી ક્લબની ભુજ, અંજાર અને ભચાઉ વિવિધ પાંખોના અગ્રણીઓ તેમજ પત્રકારો દ્વારા અભિવાદન કરાયું હતું. આ પ્રસંગે કલેક્ટર એમ. એ. ગાંધી, આઇ.જી. એ. કે. જાડેજા, ભુજના મેયર અશોકભાઈ હાથી, રોટરી ડિસ્ટ્રીક્ટ ગવર્નર ઠક્કર, ક્લબ પ્રમુખ રામદેવસિંહ જાડેજા, બકરાણિયા વગેરે મંચસ્થ રહ્યા હતા.
પ્રાસંગિક સંબોધનમાં ચંદ્રવદન મહેતાએ ક્રાંતિતીર્થની સ્થાપનામાં વિષ્ણુભાઈનો મુખ્ય ફાળો હોવાનો ઉલ્લેખ કરીને તેમના પ્રદાનને બિરદાવ્યું હતું. જ્યારે રસિકબા કેસરિયાએ વિષ્ણુભાઈનો કચ્છ સાથેનો નાતો દર્શાવતો વિગતવાર પરિચય આપ્યો હતો. આ પ્રસંગે આવકાર પ્રવચન જિતેન રેલોને કર્યું હતું.
આ અવસરે સર્જક ધીરેન્દ્ર મહેતા, દર્શનાબહેન ધોળકિયા, કાશ્મીરાબહેન, ડો. મનહર વોરા સહિત વિવિધ ક્ષેત્રના
અગ્રણીઓ, વિદ્યાર્થીઓ તેમજ ક્લબના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter