કાપડના વેપારીને ધમકી આપનાર ગેંગસ્ટર અફરોઝ અંસારીની ધરપકડ

Saturday 06th June 2020 08:16 EDT
 

ગાંધીધામઃ ગાંધીધામમાં વર્ષ ર૦૧૬માં કાપડના વેપારી સચિન ધવન પર ગોળીબાર કરીને તેમની હત્યાના કેસમાં જેલમાંથી જામીન મેળવીને છૂટા થયેલા પાણીપતના ગેંગસ્ટર અફરોઝ અંસારીએ વધુ એક વખત પોતાનું પોત પ્રકાશ્યું છે. કંડલા સેઝમાં ઈન્ટરનેશનલ સેકન્ડ કાપડનો વેપાર આરોપી માટે વર્ચસ્વની લડાઈ બની ગઈ હોય તેમ વધુ એક વેપારીનો ધંધો હસ્તગત કરવા તેને જાનથી મારી નાંખવાની ધમકી અપાઈ હતી. સમગ્ર પ્રકરણમાં કોંગ્રેસના આગેવાન એવા મુસ્લિમ અગ્રણી વેપારીની વહારે આવતાં તેમને પણ મારી નાંખવાની ધમકી મળી હતી. સચિન ધવન હત્યાકાંડ બાદ વધુ એક વખત ગાંધીધામમાં બબ્બે લોકોને ધમકી આપવાનો બનાવ સામે આવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ગુનાહિત માનસિકતા ધરાવતા અફરોઝ અંસારી તથા તેના સ્થાનિક સાગરિતને પોલીસે ઝડપી પણ પાડયા હતા.
પૂર્વ કચ્છ એસપી પરિક્ષિતા રાઠોડે તાજેતરમાં જણાવ્યું હતું કે, વર્ષ ર૦૧૬માં સચિન ધવનની અફરોઝ અંસારીએ શાર્પશૂટરો મારફતે હત્યા કરાવી નાંખી હતી. આરોપીએ એ જ મોડસ ઓપરેન્ડીથી વધુ એક વેપારીને ધમકાવ્યો છે. ર૧મી મેએ ગાંધીધામના અપનાનગરમાં રહેતા અને કાસેઝમાં કાપડના વેપાર સાથે સંકળાયેલા વેપારી મહમદ રફીક લાલમહમદ બારાને હરિયાણાના પાણીપતના નામચીન અફરોઝ શરફુદ્દીન અંસારીએ ફોન કરીને ધમકી આપી હતી કે, કાપડનો વેપાર પોતે કહે તેમ કરે બાકી તેને મારી નંખાશે. વેપારી મહમદ રફીકના ભાઈઓનું અપહરણ કરી લેવાની પણ ધમકી અપાઈ હતી. વેપારીને અફરોઝ અંસારીએ જાનથી મારી નાખવાની ધમકી આપતાં હાજી જુમા રાયમા વેપારી સાથે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયા હતા. પોલીસમાં મામલાની ફરિયાદ થતાં પોલીસ કાર્યવાહી શરૂ કરાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter