કુંતલ જોયસરઃ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ગુજરાતી

Wednesday 15th June 2016 07:30 EDT
 
 

ભુજઃ કચ્છી ભાનુશાળી યુવાન કુંતલ જોયસરે તાજેતરમાં જ એવરેસ્ટ સર કર્યો છે અને તે એવરેસ્ટ સર કરનાર પ્રથમ કચ્છી ગુજરાતી બન્યો છે. કચ્છમાં આવેલું ગોધરા (માંડવી) એનું મૂળ વતન છે. ૩૬ વર્ષીય કુંતલ કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટરની ડિગ્રી ધરાવે છે અને લોસ એન્જેલસની કોલફાયર કંપનીની મુંબઈ સ્થિત બ્રાંચ ઓફિસમાં નોકરી કરે છે.
નેપાળી સમય પ્રમાણે ૧૯મી મેની સવારે ૯.૨૦ વાગ્યે (ભારતીય સમય સવારે ૯.૩૫) તે એવરેસ્ટની ટોચ પર પહોંચ્યો હતો. કુતલે કહ્યું કે, એવરેસ્ટના શિખર પર પહોંચીને સૌ પહેલાં સેટેલાઇ ફોનથી મેં મારી પત્ની જોડે વાત કરીને કહ્યું હતું કે, હું એવરેસ્ટ પર છું. તું પપ્પાને આ ન્યૂઝ આપ. મારા પપ્પા ડિમેન્શિયાના દર્દી છે અને ત્રણ વર્ષથી પથારીવશ છે. આ સમાચારથી કદાચ એમના ચહેરા પર સ્મિત આવે.
જોકે હજી તો મેં ફોન જોડ્યો ત્યાં જ મારી સાથેના શેરપાએ મને વાત કરતો રોકીને કહ્યું કે, બીજા ૨૦૦ સાહસિકો એવરેસ્ટ પર આવે છે એટલે ટ્રાફિક વધી જશે. આપણે ઝડપથી નીચે ઊતરવું જોઈએ અને શેરપાની વાત અનુસરીન અમે ઉતરવાનું શરૂ કરી દીધું.
કુંતલે આ પહેલાં બે વાર એવરેસ્ટ સર કરવાના પ્રયાસ કર્યાં હતાં. ૨૦૧૪માં ખરાબ હવામાનના કારણે ૧૬થી વધુ શેરપા મૃત્યુ પામ્યા હોવાથી કુતલે બેઝ કેમ્પથી પાછા આવવું પડ્યું હતું. એ પછી ૨૦૧૫માં નેપાળમાં ભૂકંપના કારણે સાહસિકો અને શેરપા મળીને ૨૦ જણ મોત થયા હોવાથી એવરેસ્ટ ન ચડી શકાયો.
કુંતલ કહે છે કે, એવરેસ્ટ પર પહોંચ્યા પછી નીચે ઉતરવું ગમે નહીં, જોકે મોટાભાગનાં મોત એવરેસ્ટ પરથી નીચે આવતી વખતે જ થાય છે. અમારી સાથેના ૪૦ લોકોને તો ફ્રોસ્ટબાઇટ થઈ ગયો હતો. અતિશય ઠારથી તેમની આંગળીમાં લોહી પહોંચતું નહોતું એટલે આંગળીઓ કાળી પડી ગઈ હતી તેથી આંગળીએ કાપી નાંખવી પડે. છેલ્લાં ઘણાં વર્ષોની સરખામણીએ વળી આ વખતે સૌથી તીવ્ર ઠંડી હતી. શિખર પર આશરે માઇનસ ૪૦ ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter