કે.ડી.સી.સી. બેન્ક નાદારીના આરે?

Wednesday 11th March 2015 09:04 EDT
 

ભૂજઃ કચ્છની સૌથી મોટી સહકારી બેંક - કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક (કેડીસીસી) કોઠારા-નલિયા અને માંડવી શાખાના મુદત વીતી ગયેલા રૂ. ૩૧ કરોડના ધિરાણોને પગલે નાદારી નોંધાવે તેવી સંભાવના છે. અખબારી અહેવાલમાં જણાવ્યા મુજબ ગુજરાત સ્ટેટ કો.ઓ. બેંક થોડા સમયમાં કે.ડી.સી.સી. બેન્કનો સંપૂર્ણ કબજો લઈ લે તેવી શક્યતા છે. બેન્કના અસ્તિત્વ માટે અને નાણાની ગેરરીતિ કરનારાઓ માટે ૩૧ માર્ચ સુધીનો સમય મહત્ત્વનો છે. ભૂકંપ વખતથી ભારે ચર્ચામાં રહેલી કચ્છમાં ૫૫૦થી ૬૦૦થી પણ વધુ સહકારી મંડળીઓના સભ્યપદ સાથે ઊભેલી અને ૧૮ શાખાઓ ધરાવતી કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના વહીવટમાં રાજકારણ પ્રવેશ્યું ત્યારથી તંત્ર ખાડે ગયું હોવાની લોકચર્ચા છે.

દાર-એ-સલામમાં કચ્છીઓ દ્વારા મહોત્સવનું આયોજનઃ ટાન્ઝાનિયાની રાજધાની દાર-એ-સલામમાં કચ્છ નરનારાયણ દેવ યુવક મંડળ દ્વારા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગેવાનો દ્વારા સંસ્કૃતિ, સત્સંગ અને સંગઠન જાળવવા અપીલ કરાઇ હતી. ભૂજ સ્વામિનારાયણ મંદિર તાબાના આ મંદિરમાં યોજાયેલા કાર્યક્રમમાં નિર્ભય નાગનેસિયા (સુખપર) એ કથા પ્રસંગ વર્ણવ્યા હતા. મનોજ સિયાણી (મિરજાપર), ખીમજી કેરાઇ (કોડકી), જિતેશ કેરાઇ (કોડકી) સહિતનાએ તેમના પ્રવચનમાં સદાચારભર્યું જીવન જીવવા જણાવ્યું હતું. વિદેશમાં વ્યસન, ફેશન અને કુટેવોથી બચવા પ્રતિજ્ઞા લેવાઇ હતી. રમેશ કેરાઇ (સુખપર) દ્વારા નિષ્કુળાનંદ સ્વામીના ચારગ્રંથોનું મહાત્મય રજૂ કરાયું હતું. ભરત ભુડિયા (ફોટડી)એ સત્સંગ સમાજ અને સત્કાર્યોની કચ્છી ખુમારી જાળવવા અનુરોધ કર્યો હતો. નિત્યનિયમ બાદ રાસોત્સવનું આયોજન કરાયું હતું.

 ભચાઉ નગરપાલિકાના ૧૭ સભ્ય ગેરલાયક ઠર્યાઃ ભચાઉ નગરપાલિકાની ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટાઈને પ્રમુખ અશોકસિંહ એન. ઝાલા સહિત ૧૭ કાઉન્સીલરો ભાજપમાં જોડાયા હતા. પછી આ કેસમાં કરાયેલી રીટના પગલે તમામ ૧૭ સભ્યોને પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠરાવતા ચુકાદાથી રાજકારણમાં સોંપો પડી ગયો છે.

કેન્યામાં સામત્રા લેવા પટેલ સમાજનું સેવાકાર્યઃ કચ્છીઓ માત્ર વતનમાં જ સખાવત કરે છે એવું નથી. તેઓ કર્મભૂમિના વિકાસ માટે એટલી જ ઉદારતા દાખવે છે. સામત્રા લેવા પટેલ સમાજે કેન્યાના અનેક ગામની શાળોઓમાં વર્ગખંડના નિર્માણનું બીડું ઝડપ્યું છે. તાજેતરમાં ૨૧ વર્ગખંડોનું ઉદ્ધાટન થયું હતું. વકેથી, મ્વાન્ઝી, કાનજીપાડો, કરીમાઇના જેવા તદન અંતરિયાળ વિસ્તારોમાં અત્યંત ગરીબીમાં જીવતા વિદ્યાર્થીના સુવિધાપૂર્ણ શિક્ષણના સરકારી પ્રયાસોમાં પૂરક બનવાનું મિશન સામત્રા લેવા પટેલ હિન્દુ સમાજે શરૂ કર્યું છે.

કચ્છીના સહયોગથી સ્થપાશે કન્યા ગુરુકુળઃ સૌરાષ્ટ્રના ઉના-દ્રોણેશ્વર ખાતે ત્યાંની અલ્પશિક્ષિત કન્યાઓ માટે ગુરુકુળ સ્થાપવા કચ્છી દાતા આગળ આવ્યા છે. આ સંસ્થા માટે મુખ્ય દાન સામત્રાના આર.ડી. વરસાણીએ જાહેર કર્યું છે. આ ઉપરાંત સંકુલ સંવર્ધન અને દીકરીઓના શિક્ષણની જવાબદારી પણ કચ્છીઓને સોંપાઇ છે. છારોડી ગુરુકુળના સંત માધવપ્રિયદાસજી સ્વામીએ સૌરાષ્ટ્રના ઉના તાલુકાના ગીર વિસ્તારમાં ત્યાંના રૂઢિચુસ્ત, અલ્પશિક્ષિત કન્યાઓના ઉચ્ચ શિક્ષણ માટે પ્રાથમિકથી યુનિવર્સિટી સુધીના શિક્ષણનો સંકલ્પ લઇ ગુરુકુળનું કાર્ય આરંભ્યું છે. તેમાં કન્યા વિભાગ માટે મૂળ સામત્રાના  નાઇરોબીવાસી રામજીભાઇ દેવજી વરસાણી (આર.ડી.)એ મોટું દાન જાહેર કરતાં તાજેતરમાં વડતાલ આચાર્ય રાકેશપ્રસાદની હાજરીમાં ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter