કેડીસીસી બેંક કૌભાંડઃ ૨૬ની ધરપકડ

Wednesday 22nd January 2020 06:00 EST
 
 

ભુજઃ કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંકમાં કરોડોની આર્થિક હેરફેર મુદ્દે સીઆઇડી ક્રાઈમની આશરે ૧૦ ટીમે કચ્છમાં ધામા નાંખીને ૨૬ની ધરપકડ કરી છે. કેડીસીસી બેંકમાં આર્થિક કૌભાંડ મુદ્દે ભુજના દીપકભાઈ કટારિયાએ માર્ચ ૨૦૧૫માં ફરિયાદ કરી હતી. એ પછી નલિયા કોર્ટે આ મુદ્દે સ્ટે આપ્યો હતો. જેની સામે બેંકે હાઇ કોર્ટમાં અપીલ કરી હતી. ઓક્ટોબર ૨૦૧૮માં સ્ટે દૂર થયો, પણ સીઆઇડી ક્રાઇમની ટીમ દ્વારા તપાસમાં જ્યંતી ભાનુશાળી હત્યા કેસના આરોપી જયંતી ઠક્કર ડુમરાવાળાની ધરપકડ કરાઈ હતી. સીઆઇડીની વિવિધ ટીમે આ કેસમાં કચ્છમાંથી ૨૬ની પણ ધરપકડ કરીને તમામની પૂછપરછ માટે ૨૩મી જાન્યુ. સુધીના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ કેસમાં રૂ. ૧૬.૬૬ લાખના કૌભાંડ મામલે ૨૬ની ધરપકડ થઈ હતી. બોગસ ખેડૂતોના હાલમાં બેંકના બંધ ખાતાની તપાસ ચાલે છે. ચર્ચા છે કે મુંબઈની ભદ્રેશ ટ્રેડિંગના ફેક્સ મેસેજથી ભદ્રેશ એગ્રો ઈન્ડસ્ટ્રીઝના ખાતામાં તેમજ જયંતી ડુમરાની પુત્રીના ખાતામાં થયેલા આર્થિક વ્યવહારોની તપાસ પર વધુ ફોકસ છે.
કઈ મંડળીઓ સામે તપાસ?
વધુ તપાસમાં ૮ મંડળીઓની સંડોવણી બહાર આવી હતી. અબડાસા તાલુકાની ભાવેશ સેવા સહકાર મંડળી, ચિયાસર સેવા સહકારી મંડળી, ભૂમિકા સેવા સહકારી મંડળી, આઈશ્રી સોનલ સહકારી મંડળી, માંડવી તાલુકાની સાંભરાઈ સેવા સહકારી મંડળી, ભોજાય સેવા સહકારી મંડળી, કોકલીયા સેવા સહકારી મંડળી અને દેઢિયા સેવા સહકારી મંડળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ હતી. ઉલ્લેખનીય છે કે, મૃતકોના નામે અને ખોટા નામે અંદાજે રૂ. ૧૦૦ કરોડથી વધુની હેરફેર આ કૌભાંડમાં આચરાયું હોવાનો અંદાજ છે.
મોટા માથાંઓની સંડોવણીની શંકા
આ કૌભાંડમાં એક જ દિવસમાં રૂ. ૩૦ કરોડની રકમ કચ્છ ડિસ્ટ્રીક્ટ બેંક દ્વારા જુદા જુદા અને કેટલીક ખોટી હકીકતો સાથે મંજૂર કરાઈ હતી અને રકમ એક જ દિવસમાં બેંકમાંથી ઉપાડી લેવાઈ હોવાનું બહાર આવ્યું હતું. આ કૌભાંડ બે વર્ષથી આચરવામાં આવી રહ્યું હતું. જયંતી ઠક્કરની પૂછપરછમાં આ સમગ્ર વિગતો બહાર આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter