કોરોના મહામારી વચ્ચે ૧૨મી નવેમ્બરથી કચ્છમાં રણોત્સવ!

Monday 02nd November 2020 12:04 EST
 
 

ભુજઃ કોરોના મહામારીના કેસ કચ્છમાં પણ વધી રહ્યા છે. કોરોના સંક્રમણ રોકવામાં નિષ્ફળતા મળી રહી છે ત્યારે રાજ્ય સરકારે રણોત્સવના આયોજનનો નિર્ણય લીધો છે. સફેદ રણમાં સરકારની માનીતી એજન્સીને રણોત્સવ યોજવા આખરે મંજૂરી આપીને રાજ્ય સરકારે કચ્છના લોકોના જીવ વધુ જોખમમાં મૂકી દીધાં છે. કચ્છમાં હવે રાજ્ય તથા દેશભરના સંક્રમિત વિસ્તારોમાંથી પ્રવાસીઓ આવીને જિલ્લામાં કોરોના મહામારીને વધુ વકરાવશે તેવો ભય ઉભો થયો છે. રણોત્સવના કારણે કચ્છમાં સામન્ય રીતે સાડા ત્રણ માસમાં લાખો પ્રવાસીઓ આવતા હોય છે જે કચ્છના તમામ પ્રવાસન સ્થળો અને નગરોની બજારોની મુલાકાત લેતા હોવાથી કોરોના મહામારી કચ્છના જે વિસ્તારોમાં હજુ સુધી નથી દેખાતી ત્યાં પણ વકરશે તેવી ચિંતા લોકોમાં ફેલાઈ છે.
બન્ની - ખાવડામાં ચિંતા
બન્ની - ખાવડા વિસ્તાર હજી સુધી કોરોનાથી બચેલો હતો, પરંતુ હવે માલધારીઓ પણ વાઈરસના ઝપેટમાં આવી જાય તો નવાઈ નહીં રહે. રણોત્સવ માટે ૧૨ નવેમ્બરથી ૨૮ ફેબ્રુઆરી સુધી ૩૫૦ ટેન્ટ માંડવામાં આવશે તેવી માહિતી છે. જેના બુકિંગ પણ ચાલુ કરી દેવાયા છે. ધોરડો પાસેના રણમાં આ માટે તૈયારીઓ પણ ચાલુ કરી દેવાઈ છે. જોકે બન્ની અને ખાવડાવાસીઓ આ બાબતે ચિંતામાં છે. રણોત્સવ અંગે વિવાદ શરૂ થયો છે કે, રાજ્ય સરકાર બેવડા વલણો અપનાવી રહી છે. રાજકીય કાર્યક્રમો, ચૂંટણી અને હવે રણોત્સવના કારણે કોરોના મહામારી ફેલાતી ન હોય તેમ સરકારે મંજૂરી આપી છે. સરકાર કમાણી અને પ્રચાર માટે નિયમો નેવે મૂકી રહી છે જ્યારે નાના વર્ગની કમાણી પર હજુ સુધી અનેક પ્રતિબંધો લાદીને વિલન બનીને આડે ઉભી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter