કૌશલેન્દ્રપ્રસાદજીના હસ્તે £૧.૩૨ લાખનો ચેક સાયકલ યાત્રાના સમાપન પ્રસંગે અર્પણ

Wednesday 22nd March 2017 08:59 EDT
 
 

ભૂજઃ અત્યાચારનો ભોગ બનતી મહિલાઓ, શોષિત અને ઉપભોગગ્રસ્ત સ્ત્રીઓના આવાસ, આરોગ્ય અને પુનઃવસન અને તેમનાં બાળકોનાં કલ્યાણ માટે દેશવિદેશમાંથી ૫૩ વ્યક્તિઓએ સાયકલ યાત્રામાં ભાગ લીધો હતો. ભૂજના નરનારાયણ મંદિરથી અમદાવાદ સ્વામિનારાયણ મંદિર સુધીની સાઇકલ યાત્રાનું કોઠારી પાર્ષદ જાદવજી ભગત અને અન્ય સંતોના હસ્તે પાંચમી માર્ચે પ્રસ્થાન કરાવાયું હતું. આ સાયકલ યાત્રામાં છ વિદેશી યુવતીઓએ પણ ભાગ લીધો હતો. ભગવાન સ્વામિનારાયણના મહિલા ઉત્થાનના પ્રકલ્પને આગળ ધપાવતાં હરિભક્ત યુવકોને શાસ્ત્રોક્ત મંત્રો સાથે કાંડા બંધાવી ભૂજ મંદિરેથી યાત્રામાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સ્વામી સ્વયંપ્રકાશદાસજી, સ્વામી રામસ્વરૂપદાસજી, કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી આદિ સંતો જોડાયા હતા. સંપૂર્ણ કાર્ય ભૂજ મંદિરના મહંતસ્વામી ધર્મનંદનદાસજીના હસ્તે પાર પડ્યું હતું. સમગ્ર યાત્રાના સંકલનકાર સંત શાસ્ત્રી અક્ષરપ્રકાશદાસજી સ્વામીએ યુવાનોની હિંમતને કાબિલેદાદ ગણાવી હતી.
‘અપને આપ વૂમન ક્લેક્ટિવ’ તથા ‘ઊર્જા’ સંસ્થાને બ્રિટન, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને ભારત આ ચાર દેશોમાંથી ૧.૩૨ પાઉન્ડ એટલે કે અંદાજે સવા કરોડ રૂપિયાનું દાન આ ‘ગુજરાત સાયકલ યાત્રા’ સંપન્ન થઈ ત્યારે અપાયું હતું.
ગુજરાત સાઈકલ સવારી અમદાવાદ પહોંચી એ પછી યોજાયેલી સભામાં આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદ મહારાજના હસ્તે ‘અપને આપ વૂમન ક્લેક્ટિવ’ તથા ‘ઊર્જા’ સંસ્થા તથા સૌ સાઇકલસવારોને બિરદાવવામાં આવ્યા હતા. કૌશલેન્દ્રપ્રસાદ મહારાજના હસ્તે ૧.૩૨ લાખ પાઉન્ડ એટલે કે અંદાજે સવા કરોડ રૂપિયાનો ચેક બંને સંસ્થાઓને અર્પણ કર્યો હતો. આ રકમમાં અદાંજિત ૨૦,૦૦૦ પાઉન્ડ કચ્છ લેવા પટેલ કમ્યુનિટી યુ.કે. દ્વારા અપાયા છે. સભામાં ગુજરાત સાઈકલ યાત્રાના આયોજક પ્રકાશભાઈ પટેલ (હાલરિયા), સંજય અને શૈલેશ પટેલને બિરદાવવામાં આવ્યા હતા. ઊર્જાના અલ્તાફે બળિદયાનાં જયા ગાજપરિયાએ આ સાયકલ યાત્રા માટે સેતુ રચવાનું ભગીરથ કાર્ય કરવાનું જણાવતાં તેમને સૌએ તાળીઓથી વધાવી લીધાં હતાં. એ.એ.ડબલ્યુ.સી.ના મીરાં વ્યાસ તથા ભૂજ સ્વામિનારાયણ મંદિર તથા સંત શાસ્ત્રી અક્ષરપ્રકાશદાસજીના સુચારુ સંકલન અને સહયોગ માટે તેમને બિરદાવવામાં આવ્યા હતા. કાલુપુર મંદિરના મહંત સ્વામી, રાજુ ભગત, નાઇરોબી સમાજના ભીમજી રાઘવાણી વગેરે આ પ્રસંગે હાજર રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter