ગુજરાતમાં એક સદી બાદ દુર્લભ ‘સુદિયો’ કચ્છમાં જોવા મળ્યો!

Sunday 06th December 2020 05:13 EST
 
 

અમદાવાદઃ કચ્છની સ્થાનિક ભાષામાં સુદિયો નામે ઓળખાતો ઓલેક્સ નામનો નાના પ્રકારનો છોડ ગુજરાતમાં છેક એક સદીના લાંબા અંતરાલ પછી ફરી જોવા મળ્યો છે. છેલ્લે આ છોડ ૧૯૧૦માં પોરબંદર વિસ્તારમાં જોવા મળ્યો હતો. એ પછી તો વનસ્પતિશાસ્ત્રીઓ દ્વારા છોડ-વેલાની ઓળખ માટેના અનેક સંશોધન-પ્રવાસો થયા પરંતુ તેમાં આ છોડ ક્યારેય જોવા મળ્યો ન હતો. હવે ફરીથી તેની હાજરી કચ્છના લઠેડી ગામ પાસે જોવા મળી છે. આ છોડ ગુજરાત બાયોડાયવર્સિટી એક્ટ પ્રમાણે સુરક્ષિત જાહેર થયેલો છે. અજાણ્યા છોડ પર સૌથી પહેલી નજર ગામવાસીઓની પડી હતી. ગામવાસીઓએ આ છોડ નવો હોવાથી તેનું નામ શું એ મુદ્દે તપાસ આદરી હતી. જોકે ગામના કોઈ વડીલો પણ છોડનું નામ જાણતા ન હતા. સ્થાનિક વનસ્પતિશાસ્ત્રીઓએ પણ આ છોડનું પગેરું મેળવવા ખાખાંખોળાં કર્યા હતા પણ તેમનેય સફળતા મળી નહોતી.
આ દરમિયાન ૨૦૧૫માં લઠેડી ગામ પાસે ૧૦૦ ચોરસ મીટરના વિસ્તારમાં છોડના ૪૩ નમૂના જોવા મળ્યા હતા. આ પછી તેની ઓળખ માટે ઘનિષ્ઠ પ્રયાસો હાથ ધરાયા હતા. આ છોડની વૈજ્ઞાનિક ઓળખ કર્યા પછી વડોદરા સયાજીરાવ યુનિવર્સિટીના સંશોધકોને આ છોડ દુર્લભ ગણાતો છોડ ઓલેક્સ હોવાની ખાતરી કરી હતી અને તેના સંરક્ષણ માટે આવશ્યક પગલાં લેવા સુચના આપી હતી. આ પછી ગામ-સમુદાય ઉપરાંત સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાએ આ છોડ અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું હતું. હવે આ છોડ કે તેની આસપાસની જગ્યાને કોઈ નુકસાન ન કરે એ હેતુથી સુચના આપતા બોર્ડ પણ લગાવી દેવાયા છે. શરૂઆતમાં કોઈ જાણતું ન હતું કે આ છોડનું સ્થાનિક નામ શું છે, પરંતુ આયુર્વેદના જાણકાર કોઈ વ્યક્તિએ આ છોડનું સ્થાનિક નામ સુદિયો હોવાનું કહ્યું હતું. ૬૦ સેન્ટિમીટર (૨ ફૂટ) સુધી ઊંચો થતો આ છોડ જૂનો હોવા છતાં અત્યારની પેઢી માટે નવો છે એમ કહી શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter