ગેરેજના નકામા પુરજામાંથી ચકલીઘર

Wednesday 23rd March 2016 07:16 EDT
 
 

અંજારઃ સમગ્ર વિશ્વમાં ચકલીની સંખ્યા ચિંતાનો વિષય બન્યો છે ત્યારે અંજારના ભુજ-ભચાઉ બાયપાસ ધોરીમાર્ગ પર આવેલી ગેરેજોમાં ટ્રકના બિનઉપયોગી ફિલ્ટરને ચકલીઘર બનાવી અનોખી રીતે ચકલી બચાવવાનો પ્રયત્ન જોવા મળ્યો હતો. અંજારના ભુજ-ભચાઉ બાયપાસ ધોરીમાર્ગ પર આવેલ ટ્રક બોડીની ગેરેજોમાં ટ્રકમાંથી નીકળતા બિનઉપયોગી બનતા એર ફિલ્ટરને વાયરથી થાંભલામાં બાંધવામાં આવ્યા છે. જેમાં ચકલીઓએ પોતાના ઘર બનાવ્યા છે. અત્રે પાણીના કુંડા પણ મૂકવામાં આવ્યા છે. આજથી થોડા વર્ષ અગાઉ કરમશીભાઈ આહિરે આ ગેરેજમાં આવતી ટ્રકમાંથી નીકળેલા અને બિનઉપયોગી બનેલા ફિલ્ટરને છાપરાના છાયા નીચે વાયરથી બાંધ્યું હતું જેમાં થોડા સમય બાદ ચકલી અવરજવર કરવા લાગી અને વસવાટ કરવા લાગી હતી. ત્યારબાદ આજુબાજુમાં આવેલી ગેરેજોમાં પણ આ પ્રકારનો પ્રયાસ કરાયો હતો. જેમાં પણ સફળતા મળી હતી. ત્યારબાદ પક્ષીઓને પાણી પીવા માટે કુંડા પણ મૂકવામાં આવ્યા હતા.

અંજારમાં ટ્રાવેલ્સ વ્યવસાય સાથે સંકળાયેલા કરમશીભાઇ આહિરે જણાવ્યું હતું કે, એક સમયે ચકલીની સંખ્યામાં ઘટાડો થયો હતો, ત્યારબાદ હાલના સમયે થોડા પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. આ નવતર પ્રયોગના ભાગરૂપે અલગ અલગ જગ્યાએ અંદાજિત ૧૩૦ જેટલા ફિલ્ટરમાં ચકલીઘર લગાવાયા છે. તેમજ ટ્રકની હેડ લાઇટમાંથી નીકળતી લોખંડની પ્લેટને વાયરથી બાંધીને ચણ નાખવામાં પણ ઉપયોગમાં લઇ શકાય એમ છે એમ તેઓએ વધુમાં ઉમેર્યું હતું.

આહિરે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે ભૂતકાળના સમયમાં મારા ઘરની દીવાલો પર લગાડવામાં આવેલી છબીઓની પાછળ ચકલીઓ માળાઓ કરતી હતી. તે સમયે પંખો ચાલુ હોવાથી અચાનક એક ચકલીનું મોત થયું ત્યારબાદ મારા પિતાની સૂચના મુજબ છ મહિના સુધી છત પંખો બંધ રહ્યો હતો અને ઘરની બહારના વૃક્ષોમાં ચકલીની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાયપાસ રોડ પર આવેલી ગેરેજોમાં આ નવતર ચકલીઘર લગાડવામાં મનોજભાઇ ઠક્કર અને નીલેશભાઇ બાવાએ સહકાર આપ્યો હતો, એવું તેઓએ ઉમેર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter