જમ્મુ-કાશ્મીરથી ભારતમાં ઘૂસેલા રોહિંગ્યા પરિવારનો મુન્દ્રામાં ઘરસંસારઃ એટીએસ દ્વારા ધરપકડ

Tuesday 17th March 2020 06:35 EDT
 

ભુજઃ પાકિસ્તાન સાથે સંવેદનશીલ સરહદ ધરાવતા કચ્છ જિલ્લાના મુન્દ્રામાંથી ગેરકાયદે ઘૂસણખોરી કરી આવેલો રોહિંગ્યા મુસ્લિમ પરિવાર તાજેતરમાં ઝડપાતાં ભય ફેલાયો છે. ગુજરાત એટીએસ અને પશ્ચિમ કચ્છ પોલીસની એસઓજી શાખાએ ૧૪મી માર્ચે મહેશનગર વિસ્તારમાંથી નવ વર્ષથી વસવાટ કરતા દંપતીની અટક કરી હતી. જેઆઈસીમાં પરિવારની તપાસ ચાલે છે. ઝડપાયેલા યુગલ સાથે તેમના ત્રણ સંતાનો પણ છે.
બાંગ્લાદેશથી ભારતમાં ઘૂસણખોરી કરતાં લોકો દેશભરમાં ઝડપાતાં રહે છે, પરંતુ કચ્છમાં મ્યાનમારથી વાયા જમ્મુ-કાશ્મીર થઈ રોહિંગ્યા મુસ્લિમો ઘૂસ્યા હોય અને નવ-નવ વર્ષથી વસવાટ કરતા હોય તે ચોંકાવનારું છે. આ બનાવમાં ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્કવોર્ડને ઘૂસણખોરી અંગે બાતમી મળી હતી. એ પછી મહેશનગરમાં ભાડાનાં મકાનમાં અનવરહુસેન અહેમદહુસેન સુન્ની (ઉં. ૩૦), તેની પત્ની રૂબીના ઉર્ફે રૂબી (ઉં. ૨૬)ની મ્યાનમારમાંથી ગેરકાયદે બોર્ડર પાર કરવા ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં તેઓએ કબૂલ્યું કે વર્ષ ૨૦૦૯માં જમ્મુના નરોલા પાસેથી બોર્ડર પાર કરી હતી. હાલમાં દંપતીને વધુ પૂછપરછ માટે જેઆઈસીમાં ખસેડાયા છે. જ્યાં વિવિધ એજન્સીઓ તેમની પૂછપરછ કરી રહી છે.
અત્યાચારને લઈ હિજરત કરવા મજબૂર!
રોહિંગ્યા મુસ્લિમો મ્યાનમાર (બર્મા)ના વતનીઓ છે. બૌદ્ધો સાથેના ઘર્ષણમાં ત્યાંના સૈન્ય દ્વારા તેઓ પરના દમનના લીધે તેઓ આસપાસના દેશોમાં શરણાર્થી તરીકે પહોંચ્યા હતા. વર્ષ ૨૦૧૫માં અન્ય દેશોમાં શરણાર્થી બનવા ભટકતા લોકોનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઊઠયો હતો. વર્ષ ૨૦૦૯માં અનવરહુસેન અને રૂબીનાએ અલગ અલગ સમયે જમ્મુ-કાશ્મીરના નરોલા પાસેથી બોર્ડર પાર કરી હતી. જોકે તે વખતે તેઓ એકબીજાને ઓળખતા ન હોવાનું જાણવા મળ્યું છે. અનવરહુસેન બોર્ડર પાર કરી રાજસ્થાનના જયપુર ગયો હતો.
ભારતમાં ઘૂસણખોરી કરી ત્યારે તેની ઉંમર ૧૯ વર્ષની હતી જ્યારે રૂબીના જમ્મુમાં જ રહી હતી. ઘણા રોહિંગ્યાઓ જમ્મુ- કાશ્મીરમાં રહે છે અને એક-બીજાના સંપર્કમાં પણ છે. આ સંપર્કોના કારણે સાત વર્ષ અગાઉ જમ્મુમાં રૂબીના સાથે નિકાહ થયાં હતાં. મુન્દ્રામાં મકાન ભાડે રાખી બંનેએ ઘરસંસાર શરૂ કર્યો હતો અને તેમનાં ત્રણ સંતાનોનો જન્મ પણ મુન્દ્રામાં થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter