જલાબાપાએ સેવકને લખેલો પત્ર રાપરમાં સચવાયો છે!

Wednesday 01st November 2017 10:45 EDT
 
 

રાપરઃ સંત જલારામબાપાએ અમરેલીમાં રહેતા પોતાના સેવક કાળા વશરામને એક પત્ર લખ્યો હતો. દિલાસો આપતો અને ભગવાન તમારી સાથે જ છે એવો સૂર રજૂ કરતો એ પત્ર રાપર ખાતે આવેલા ત્રિકમસાહેબના આશ્રમમાં સચવાયેલો છે. કચ્છના સમર્થ સંત અને અનેક ઉત્તમ ભજનોના રચયિતા ત્રિકમસાહેબની સમાધિ કચ્છના નાનકડાં નગર રાપરમાં છે. આ પત્ર વિક્રમ સંવત ૧૯૩૪માં એટલે કે વર્ષ ૧૮૭૭માં લખાયેલો છે. ફરતો ફરતો આ પત્ર અહીં પહોંચ્યો હતો અને ત્યારથી તેને અહીં મઢાવીને સાચવી રખાયો છે. બાકી તો ત્રિકમસાહેબે જલારામ બાપા કરતાં વર્ષો પહેલા જ સમાધિ લઈ લીધી હતી.
પત્ર લખાયો એ વખતે બાપા વીરપુર હતા. કાળા વશરામને જ્યારે લાગ્યું કે આફતમાંથી બચવાનો કોઈ રસ્તો નથી, ત્યારે તેમણે કાગળ લખીને ખેપિયાને બાપા પાસે રવાના કર્યો હતો. તેના જવાબમાં જલારામ બાપાએ આ પત્ર લખ્યો હતો. પત્રમાં ખાસ એ વાત પર ભાર મુકવામાં આવ્યો હતો કે ઠાકોરજી પર ભરોસો રાખો.
બાપાએ પોતે સમસ્યા ઉકેલી દેશે એ પ્રકારનું લખાણ ક્યાંય લખ્યું નથી. એ તેમની મહાનતા હતી, જે આજના સંતોમાં મળવી મુશ્કેલ છે. પત્રનું ગુજરાતી એ જમાના પ્રમાણેનું છે, છતાં પણ સરળ છે. પત્રમાં લખ્યા પ્રમાણે આખો મામલો કોર્ટ કેસનો હતો, પરંતુ રસપ્રદ રીતે જલારામ બાપાના સધિયારા પછી પ્રશ્ન ઉકલી ગયો હતો. એટલું જ નહીં ખોટા ચુકાદા બદલ મેજિસ્ટ્રેટે દિલગીરી પણ વ્યક્ત કરી હતી! આ પત્રમાં લખાયેલા અક્ષરો કદાચ ઉકલેવા મુશ્કેલ થાય એ હેતુથી બાજુમાં સ્પષ્ટ ગુજરાતી લખાણ પણ મૂકવામાં આવ્યું છે. જોકે તો પણ આખો પત્ર તો ઉકેલી શકાયો નથી.
ત્રિકમસાહેબે સમાધિ ટાણે પોતાના ગુરુ ખીમસાહેબે સમાધિ લીધી હતી એ જગ્યા જ પસંદ કરી હતી. માટે આજે રાપરમાં એ બન્ને સંતોની સમાધિ સાથે જ આવેલી છે. અહીં સંત ખીમસાહેબના ઢોલિયા સહીતની સામગ્રી સાચવી રાખવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter