ઝડપથી ઘટતાં હમીરસરના નીર અંગે ચિંતા

Monday 07th December 2015 10:01 EST
 
 

વરસાદની મોસમમાં ભુજવાસીઓની તો એક જ ઇચ્છા હોય છે કે, લોકલાડીલું હમીરસર તળાવ જલદી છલોછલ થાય આ વર્ષે પણ કુદરતે આ લાગણી સાંભળી અને તળાવ નવાં નીરથી છલોછલ થયું. પરંતુ આ પાણી દિવસો દિવસ ઘટતું જતું નિહાળી હમીરસર ખાલી થઇ જશે તેવી ચિંતા સેવી રહ્યા છે. આ ઉપરાંત અનેક કચરા તળાવમાં નખાતાં પાણી દૂષિત અને દુર્ગંધવાળું થઇ રહ્યું છે.

આ બાબતે જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિના નવીનભાઇ બાપટનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, રાજાશાહી સમયના આ તળાવનું બંધારણ જ એવું છે જેને કારણે કિનારો દેખાતો થાય ત્યાં સુધી એકદમ ઝડપી પાણી ઘટે પરંતુ ત્યારબાદ આ ઝડપ ધીમી થઇ જતી હોય છે. લોકજાગૃતિના અભાવને પગલે હમીરસરમાં કચરા-શૌચક્રિયાઓને પગલે પાણી દૂષિત થઇ રહ્યું છે અને લીલને કારણે દુર્ગંધ પણ આવતી થઇ ગઇ છે. વળી, વહેતું પાણી ક્યારેય બગડતું નથી પણ બંધાયેલું પાણી જલ્દી દૂષિત થઇ જાય છે. પવનની ગતિ પણ મંદ હોવાથી હમીરસરનું પાણી સ્થિર રહે છે તેવું જણાવી આ કારણો નિમિત્ત થતા હોવાની શક્યતા વ્યકત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter