ઠંડા પ્રદેશમાં થતાં ગુણકારી મશરૂમની કચ્છમાં સફળ ખેતી

Wednesday 14th April 2021 05:23 EDT
 
 

ભુજઃ કચ્છના સાહસિક ખેડુતોએ અત્યારસુધી ગરમ અને અછતના પ્રદેશમાં થતા બાગાયતી પાકો ઉગાડી બતાવ્યા છે. ઠંડા પ્રદેશમાં થનારી સ્ટ્રોબરી, એપલ, કાજુ, ડ્રેગેન ફ્રુટથી માંડીને પાણીદાર પ્રદેશમાં થતાં અસંખ્ય સિઝનેબલ ફળોનું હાલ કચ્છમાં મોટી સંખ્યામાં ઉત્પાદન થાય છે. ત્યારે આ યાદીમાં હવે ઠંડા અને ભેજવાળા પ્રદેશમાં થતાં પ્રોટીન, મિનરલ,એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર મશરૂમનો સમાવેશ થઈ ગયો છે. જિલ્લાના માધાપર, મિર્ઝાપર અને સુખપર-રોહાના ત્રણ સાહસિકોએ પોતાની મહેનત અને ટેકનોલોજીની મદદાથી ઉંચા દામે વેંચાતા ઓઈસ્ટર મશરૂમનું સફળ ઉત્પાદન કર્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ મશરૂમની પાંચ જાત આવે છે. જેમાં બટન મશરૂમ જે સામાન્ય રીતે પીઝાના ટોપીંગ પર વપરાય છે. તે સિવાય શિટેક મશરૂમ, શીપ મશરૂમ (ઓયસ્ટર), પ્લુરોટસ ઓસ્ટ્રેટસ મશરૂમ તાથા એગારિક્સ બિસ્પોરસ જાતનો સમાવેશ થાય છે. ઘણા લોકો મશરૂમને નોનવેજમાં ગણે છે પરંતુ તે શાકાહારી ખાદ્ય પદાર્થ છે. વિદેશેમાં વ્યવસાયિક ધોરણે વિવિધ જાતના મશરૂમનું ઉત્પાદન થાય છે. મશરૂમનો ઉપયોગ દવા બનાવવા, કોસ્મેટીક ઈન્ડ્રસ્ટ્રીઝમાં મોટાપાયે થાય છે. જેથી તેની માંગ વધુ છે. દક્ષિણ ભારત, ઉત્તરભારત અને પહાડી વિસ્તારોમાં તેનું ઉત્પાદન થાય છે. જેમાંથી અનેક ગામ એવા છે , જ્યાં મહિલાઓ સહકારી ધોરણે મંડળી બનાવીને ઘરે શેડ બનાવીને મોટા પાયે મશરૂમનું ઉત્પાદન કરીને મહિને લાખોની કમાણી કરે છે. ઉપરાંત વ્યક્તિગત ઉપયોગ માટે પણ મશરૂમ ખાવા શરીર માટે અનેક રીતે ઉપયોગી છે. કિચન ગાર્ડનની જેમ ઘરમાં નાના પાયે પણ તેનું વાવેતર કરીને પાક મેળવી શકાય છે. સામાન્ય રીતે મશરૂમ ૧૦ થી ૩૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન તથા ૫૫ થી ૭૦ ટકા ભેજવાળા વાતાવરણ ધરાવતા વિસ્તારમાં થાય છે. ત્યારે કચ્છ જેવા ગરમ પ્રદેશમાં તેનું ઉત્પાદન લેવું અશક્ય છે. આમ છતાં પ્રાથમિક તબક્કે મહેનત સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરતા સફળતા મળી છે. જો બાગાયત ખાતું આ અંગે રસ લે તો કચ્છમાં શ્વેતક્રાંતિ જેમ મશરૂમ ક્રાંતી થઈ શકે છે, એવું સુખપર-રોહામાં સફળ પ્રયોગ કરનાર મહેશ પીંડોળીયાએ જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter