ધોળાવીરામાં પાંચ હજાર વર્ષ પહેલાં પણ હતાઃ ડેમ, નહેર, વાવ અને કૂવા!

Wednesday 05th September 2018 08:00 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતમાં આજે જળસંગ્રહની સમસ્યા સંકટ સમાન છે, પણ કચ્છમાં આવેલી પુરાતત્ત્વીય સાઈટ ધોળાવીરા અંગે પુરાતત્ત્વવિદો કહે છે કે, ધોળાવીરા નગર પાસે અફલાતુન જળ સંરક્ષણ વ્યવસ્થા હતી. ‘આઈઆઈટી ગાંધીનગર’ અને ‘આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા’એ રજૂ કરેલા નવા સંશોધન પ્રમાણે ધોળાવીરામાં જળસંચય માટે ડેમ, નહેર, જળાશય, વાવ, કૂવા હતા અને ધોળાવીરાવાસીઓ પાણીનું એક એક ટીપું બચાવી જાણતા હતા.
સંશોધકો છેલ્લા કેટલાક સમયથી ધોળાવીરાનું ‘ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રેડાર’ (જીપીઆર) કરી રહ્યા છે. પુરાતત્ત્વીય સાઈટના ખોદાણથી તેને નુકસાન ન થાય એ રીતે જમીનના ખોદાણ વગર જ માત્ર સ્કેનિંગથી જાણી શકાય છે પ્રાચીન સમયમાં કે ભૂતકાળમાં ક્યા પ્રકારનાં બાંધકામ થયા હતા. આ પદ્ધતિ દ્વારા એક વર્ષમાં ૧૨ હજારથી વધુ ચોરસ મીટર વિસ્તાર સ્કેન કરાયો છે. ધોળાવીરાના સ્કેનિંગથી જણાયું કે પાંચ હજાર વર્ષ પહેલાં ધોળાવીરાએ નજીકથી મનહર નદીનું પાણી વાળીને સંગ્રહ કરવાની સિસ્ટમ વિકસાવી હતી.

સુવ્યવસ્થિત જળવ્યવસ્થાપન

ધોળાવીરાની બે દિશાએથી મનહરની બે શાખા ફંટાતી હતી, જ્યારે શહેરના અન્ય ભાગમાં જળ સંચયના ટાંકા હતા. એ જમીની ટાંકા આજે પણ ધોળાવીરાની સાઈટ ફરતે સ્પષ્ટ દેખાય છે. પૂર્વમાં આવેલો સૌથી મોટો હોજ ૮૯ મીટર લાંબો, ૧૨ મીટર પહોળો અને સવા સાત મીટર ઊંડો દેખાય છે. તેમાં ૭૭ લાખ લીટર પાણીનો સંગ્રહ થઈ શકે. એ વખતના રહેવાસીઓ એવી સગવડ કરી હતી કે નહેર દ્વારા મનહરનું પાણી જળાશય, નહેર, તળાવ, ટાંકા વહેંચાઈ જતું હતું. ધોળાવીરા રણ વિસ્તારમાં હતું છતાં પાણીની અછતનો સામનો નગરજનોએ કરવો પડતો ન હતો. ક્યાંક ક્યાંક ચેકડેમ જેવી રચના હોવાના પુરાવા પણ સંશોધકોને હાથ લાગ્યા છે.

ત્સુનામીનો કહેર?

ધોળાવીરા ભારતમાં હડ્ડપીય સંસ્કૃતિનું સૌથી મોટું નગર હતું. ઈસવીસન પૂર્વે ૩,૦૦૦થી લઈને ઈસવીસન પૂર્વે ૧૭૦૦ની સાલ સુધી આ શહેરનું અસ્તિત્વ હતું. એ પછી તેનો નાશ કેવી રીતે થયો? એ જાણી શકાતું નથી. ગોવા સ્થિત ‘નેશનલ ઈન્સ્ટીટયૂટ ઓફ ઓશનોગ્રાફી (એનઆઈઓ)’ના સંશોધન પ્રમાણે કદાચ ત્સુનામીએ ધોળાવીરાનો નાશ કર્યો હશે. કેમ કે ધોળાવીરા એક સમયે બંદર હતું, વેપાર-ધંધાથી સતત ધમધમતું રહેતું નગર હતું. અંદાજે ૩૪૫૦ વર્ષ પહેલાં આવેલા ત્સુનામીના વિકરાળ મોજાંએ શહેરનો નાશ કર્યો હશે.
દરિયામાંથી ઉદ્ભવતા તોફાન ત્સુનામીને કારણે કાંઠા વિસ્તારને ભારે નુકસાની થાય છે. ૨૦૦૪માં ભારત સહિત દક્ષિણ એશિયાના અનેક દેશો ત્સુનામીનો પ્રકોપ જોઈ ચૂક્યા છે. જીપીઆર પદ્ધતિ દ્વારા ધોળાવીરાની ધરતીમાં અઢી-ત્રણ મીટર નીચે દરિયાઈ રેતીના અવશેષો મળી આવ્યા છે. એ બધા એવા અવશેષો જે, માત્ર દરિયાના ઊંડા પાણીમાં જ હોય. એટલે કે આ શહેર પર પાણી ફરી વળ્યું હશે, ત્યારે આ અવશેષો પણ અહીં પથરાયા હશે અને કાળક્રમે દટાઈ ગયા હશે.

સ્માર્ટ શહેર!

ધોળાવીરા એ જમાનામાં સ્માર્ટ શહેર હતું. દુનિયાભર સાથે વેપાર કરતું શહેર કિલ્લેબંધ હતું. સમાજના દરેક વર્ગ માટે રહેવાની અલગ વ્યવસ્થા હતી. એટલું જ નહીં શહેર ફરતે ખૂબ જાડી દીવાલ હતી, જે દરિયાઈ પાણી તથા દુશ્મનોથી રક્ષણ આપતી હતી. શહેરને ચાર દરવાજા હતા અને દરેક દરવાજો કરામતી લોક સિસ્ટમ ધરાવતો હતો. એટલે કોઈ હુમલાખોર આવે તો એ ધોળાવીરાનો દરવાજો ખોલી અંદર પ્રવેશી શકતા ન હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter