નબળું ચોમાસુ, અપૂરતો વરસાદઃ કચ્છ જિલ્લો અછતગ્રસ્ત જાહેર

Wednesday 26th September 2018 07:20 EDT
 

ભુજઃ નબળા ચોમાસા અને અપૂરતા વરસાદના કારણે કચ્છની પરિસ્થિતિ જાણવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ભુજની મુલાકાત લીધી હતી. પ્રજાના પ્રતિનિધિઓ, મહાજનોની રજૂઆત સાંભળ્યા ઉપરાંત વહીવટીતંત્ર પાસેથી પરિસ્થિતિનો ચિતાર મેળવી કચ્છને અછતગ્રસ્ત જિલ્લો જાહેર કર્યો છે. જેનો અમલ ૧લી ઓક્ટોબરથી કરવામાં આવશે. પીવાના પાણીની સમસ્યા અંગે પણ રૂ. ૨૯૬ કરોડની ફાળવણી કરી નવી પાઈપલાઈન નાંખવામાં આવશે. મુખ્ય પ્રધાને કહ્યું કે, રાજ્યના જે પણ તાલુકામાં પાંચ ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે તે પણ અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરાશે.
જિલ્લા સેવા સદનમાં રૂપાણીએ વહીવટીતંત્ર તથા પ્રજાના પ્રતિનિધિઓ સાથે મિટિંગ કરી હતી. કચ્છની હાલત વિશે થયેલા રજૂઆતો બાદ તે અંગે ગાંધીનગરથી આવેલા ઉચ્ચ અધિકારીઓ તથા જિલ્લા કલેકટર સહિતના અન્ય અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ સમગ્ર કચ્છને અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યો હતો.
પશુપાલકો પરેશાન
અલ્પ અને ઓછા વરસાદ માટે જાણીતા એવા કચ્છ પ્રાંત અને ખાસ કરીને અબડાસા તાલુકામાં ચાલુ વર્ષે પણ મેઘરાજાએ હાથતાળી દેતાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે.
કોરા દુકાળથી પશુપાલન વ્યવસાયને સૌથી વધુ અસર પહોંચી છે. દુધાળા ઢોરો દૂધ આપવાની ક્ષમતા ધીમે ધીમે ગુમાવી રહ્યા છે. પૈસા દેતાં પણ ખાનગી રાહે ચારો મળતો નથી. સરકારી રાહે રૂ. ૨ના દરથી મળતો ચારો અનિયમિત અને સૌને ન મળતાં પરિણામે ઢોરોમાં ભૂખમરા જેવી સ્થિતિ ઊભી થતાં ગામડાઓમાં તો મરણનો સિલસિલો ચાલુ પણ થઇ ગયો છે. ચાલુ વર્ષે દુષ્કાળ જાહેર કરાય તેવા પૂરતા કારણો અને સંજોગો છે. તેમ છતાં હજી આ અંગે તંત્ર દ્વારા ધ્યાન ન દેવાતા દુષ્કાળ તો ઠીક પણ અછત જાહેર કરાશે તો કયારે કરાશે એ સમસ્યા સ્થાનિકો ભોગવી
રહ્યાં છે.
પશુપાલન વ્યવસાય બેહાલ
પશુપાલન વ્યવસાયવાળા કરમટા ગામમાં ૮૦૦ ઢોરો છે. સરકારી ઘાસ ડેપો પર ઘાસ હોતું નથી. સ્થાનિકે આવી પરિસ્થિતિ નિર્માણ થતાં માલધારીઓએ પોરબંદર અને કાઠિયાવાડ તરફ હિજરતની તૈયારી કરી છે. ઢોરને ટ્રકમાં લઇ જવા માટે રૂ. દોઢ-બે લાખ તો ટ્રકોનું કુલ ભાડું થાય તેમ છતાં જર દાગીના વેચીને પણ પશુધનને બચાવવા લોકો મથી રહ્યાં છે.
સરકારી રાહે ઢોરોના સ્થળાંતર માટે ભાડામાં રાહત કરાય તેવું લોકો ઈચ્છે છે. આ અંગે ઢોર દીઠ સબસિડી રૂ. ૨૫ નક્કી કરાતી હોય છે. જેમાં ઢોરનો નિભાવ થઇ શકે નહીં. કરમટા ગામમાં ૧૦૦થી વધુ ઢોરો ભૂખમરાના કારણે મોતના મુખમાં ધકેલાયા છે.
પાંજરાપોળ ગૌશાળા અબડાસામાં ૭ પાંજરાપોળ અને ૨ ગૌશાળા છે જેમાં ચાર હજારથી વધુ ઢોરો આશ્રય લઇ રહ્યા છે. ઘાસચારાની તંગી ઉપરાંત પાંજરાપોળમાં ઢોરો સમાવવાની ક્ષમતા પૂરી થઇ જતાં નવા ઢોરો પાંજરાપોળમાં દાખલ કરાતા નથી.
બે રૂપિયે કિલોના હિસાબે સરકારી ઘાસ પાંજરાપોળ ગૌશાળાને અપાય છે. તા. ૧૧/૯/૨૦૧૮ સુધી રાપરગઢ ગૌશાળાને ૪૬૦૭૩ કિ.ગ્રા., ભવાનીપર ગૌશાળાને ૮૯૦ કિ.ગ્રા., રાતા તળાવ પાંજરાપોળને ૧૭૮૧૧૩ કિ. ગ્રા, તેરા પાંજરાપોળને ૧૬૯૩૫ કિ. ગ્રા, નલિયા પાંજરાપોળને ૫૭૮૧૧ કિ.ગ્રા., કોઠારા પાંજરાપોળ ૧૬૩૯૭ કિ.ગ્રા, પ્રજાઉ પાંજરાપોળને ૨૦૭૩૨ કિ.ગ્રા, જખૌ પાંજરાપોળને ૧૪૮૫૨ કિ.ગ્રા., સુથરી પાંજરાપોળને ૩૮૩૨ કિ.ગ્રા. ઘાસ અપાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter