નરનારાયણદેવને હીરાજડિત બે સુવર્ણ મુગટ અર્પણ

Wednesday 18th May 2016 07:40 EDT
 
 

ભુજઃ શહેરના ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિરમાં નરનારાયણદેવના ૧૯૩મા પાટોત્સવ પ્રસંગે હીરાજડિત બે સુવર્ણ મુગટ શ્રીજીને અર્પણ થયા છે. સંપ્રદાયના આચાર્ય મહારાજ કૌશલેન્દ્રપ્રસાદજીની ઉપસ્થિતિમાં યજમાન પરિવારો કે. ડી. ડેવલપર-લંડનના કુંવરજી દેવરાજ વેકરિયા પરિવાર અને નારણપરના રામજી દેવજી વેકરિયા પરિવાર દ્વારા આ મૂલ્યવાન મુગટો મહંત પુરાણી ધર્મનંદનદાસજીને સોંપાયા ત્યારે સમગ્ર માહોલ જયઘોષથી ગાજી ઉઠ્યો હતો. આ પ્રસંગે આવતા વર્ષે વધુ ચાર હીરાજડિત મુગટો અર્પણ કરવાની જાહેરાત થઇ હતી.
નૂતન મંદિર ખાતે યોજાયેલી સત્સંગી જીવન પારાયણના ભાગરૂપે સવારે ભવ્ય નગરયાત્રા યોજાઇ હતી, જેમાં આચાર્ય મહારાજની સાથે સંતો તેમજ ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રામાં ગામેગામથી આવેલી ભજન મંડળીઓએ રમઝટ બોલાવી હતી. પાટોત્સવના યજમાનો કુંવરજી દેવરાજ વેકરિયા પરિવાર અને નારણપરના રામજી દેવજી વેકરિયા પરિવાર દ્વારા અર્પણ થયેલા હીરાજડિત સુવર્ણ મુગટ ૧૧ મેના રોજ પાટોત્સવના અભિષેક બાદ પ્રતિમાને ધારણ કરાવાયા હતા. યજમાન પરિવારો વતી કુંવરજીભાઇ વેકરિયા પરિવારે આભારની લાગણી વ્યક્ત કરતાં કચ્છના સત્સંગને જાળવવા અને મજબૂત કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે યુકેના કાર્ડિફ, બોલ્ટન તથા ઓલ્ડહામ મંદિરના પ્રમુખો, એલમપ્રાઇડના કુરજી કેરાઇ, બર્ન્ટઓક બિલ્ડર્સ મરચન્ટ્સવાળા લક્ષ્મણ મૂળજી, વિલ્સડન મંદિરના ટ્રસ્ટી કાનજીભાઇ જેસાણી તેમજ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાથી ઘણા હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
આવતા વર્ષે હરિકૃષ્ણ મહારાજનો ૧૭૫મો પાટોત્સવ યોજાશે તે પ્રસંગે વાલજી કરસન હીરાણી પરિવાર (બળદિયા) દ્વારા, નારાણ મનજી કેરાઇ પરિવારના પુત્રો કલ્યાણભાઇ તથા કાન્તિભાઇ (બળદિયા) દ્વારા, લાલજી કરસન વેકરિયા પરિવાર (રામપર) અને વિશ્રામ લાલજી પીંડોરિયા પરિવાર (માધાપર) તરફથી હીરાજડિત મુગટ અર્પણ કરવાની જાહેરાત કરાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter