પાંચ વર્ષની કચ્છી બાળાએ લંડનમાં કેન્સરગ્રસ્ત મિત્ર માટે વાળ દાન કર્યા

Wednesday 04th January 2017 05:41 EST
 
 

ભુજઃ કચ્છમાં આવેલા દહીંસરાના હરિભાઈ કારા તથા તેમનાં પત્ની રસિકાબહેન પરિવાર સાથે લંડન વસે છે. આ દંપતીની પાંચ વર્ષની પુત્રી તેજસ્વીએ જોયું કે તેની સાથે ભણતી તેની દોસ્તે કેન્સરની સારવાર દરમિયાન પોતાના વાળ ગુમાવી દીધા છે ત્યારે આ પાંચ વર્ષની છોકરીનું દિલ દ્રવી ઊઠયું. તેણે આ છોકરીના માથે પણ વાળ હોય તે માટેના રસ્તા શોધવા શરૂ કર્યાં. અંતે મોટાઓની સલાહ લઈને તેણે કેન્સરગ્રસ્ત દોસ્ત માટે પોતાના વાળ કપાવી નાંખ્યા અને પોતાના લાંબા વાળની વ્હીગ બનાવીને તેની દોસ્તને ગિફ્ટ આપી. તેના નિર્ણયમાં તેના માતા પિતાએ પણ તેજસ્વીને સહકાર આપ્યો.
તેજસ્વીના માતા પિતા કહે છે કે, તેજસ્વી ૬ મહિનાની હતી ત્યારથી તેના વાળ કપાવ્યા જ નથી. તે સમજણી થઈ ત્યારથી તેને લાંબા વાળ બહુ ગમતા હતા, પણ તેણે તેના પાંચમા જન્મદિને જ્યારે તેની મિત્ર માટે પોતાના વાળની વ્હીગ ગિફ્ટમાં આપવાનો નિર્ણય કર્યો તો અમને ખૂબ જ ખુશી થઈ. તેના આ વિચારને અમે વધાવી લીધો. સાથે અન્ય બાળકો પણ કેન્સરગ્રસ્તો માટે આ પ્રકારની કોઈ મદદ કરવા ઈચ્છતા હશે તેને પણ પ્રોત્સાહન આપશું.
પોતાના વાળ દાનમાં આપવા સાથે તેજસ્વીએ જસ્ટગિવિંગ.કોમ વેબસાઈટ પર કેન્સરગ્રસ્ત દર્દીઓની મદદ કરો અને તેમને સારવાર માટે ડોનેશન આપોની વાત પણ કરી હતી. જેમાં શરૂઆતમાં ૨૫૦ પાઉન્ડનો ટાર્ગેટ હતો. તે માત્ર ૧૦ કલાકમાં જ પૂરો થઈ ગયો હતો. એ પછી વેબસાઈટ દ્વારા આ ટાર્ગેટ ૫૦૦ પાઉન્ડ કર્યો તો તે રકમ પણ ૨૪ કલાકમાં એકત્ર થઈ ગઈ હતી. એ પછી તેજસ્વીની મદદથી એક હજાર પાઉન્ડ તથા ૨૦૪૫ પાઉન્ડનો કેન્સરગ્રસ્તો માટેના દાનનો ટાર્ગેટ પણ પૂરો કરવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter