પાક.થી ચોરી છુપે ચીન મોકલાતા રેડિયોએક્ટિવ પદાર્થ મુન્દ્રાથી જપ્ત

Wednesday 24th November 2021 08:28 EST
 
 

મુન્દ્રા: મુન્દ્રા ખાતે અદાણી પોર્ટ પર કસ્ટમ વિભાગ અને ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજન્સની સંયુક્ત ટીમે પાકિસ્તાનથી ચીન મોકલવામાં આવતા સંખ્યાબંધ કન્ટેઇનરો જપ્ત કર્યા છે. આ કન્ટેઇનરોમાં હાનિકારક રેડિયોએક્ટિવ પદાર્થો ચીન મોકલવામાં આવી રહ્યા હતા. ચોંકાવનારી બાબત એ છે કે કન્ટેઇનરોની વાંધાજનક સામગ્રી છુપાવવામાં આવી હતી. જપ્ત કરાયેલા કાર્ગો કન્ટેઇનર્સ કરાંચીથી ચીનના શાંઘાઈમાં મોકલવામાં આવી રહ્યો હતો. ભારતીય એજન્સીઓએ હાનિકારક સામગ્રી સાથેના કુલ સાત કન્ટેનરો જપ્ત કર્યા હતા.
અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કાર્ગો કન્ટેઇનર નૉન-હેઝાર્ડસ તરીકે લીસ્ટેડ હતા. જપ્ત કરાયેલા કન્ટેઇનર્સમાં ક્લાસ-૭ માર્કીંગ ધરાવતી સામગ્રી હતી. રેડિયોએક્ટીવ સામગ્રી માટે આ માર્કીંગ અપાય છે.૧૮ નવેમ્બરના રોજ કસ્ટમ્સ અને ડીઆરઆઇની ટીમે મુન્દ્રા બંદરે વિદેશી જહાજ પરના સંખ્યાબંધ કન્ટેઇનરો જપ્ત કર્યા હતા. અદાણી પોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કન્ટેઇનર્સ સાથેનું જહાજ મુન્દ્રા કે દેશના અન્ય કોઈ બંદરે લાંગરવાનું નહોતું. સરકારી એજન્સીઓના અધિકારીઓ આ જહાજને અટકાવીને વધુ તપાસ માટે મુન્દ્રા બંદર લાવ્યા હતા. એપીએસઈઝેડ દ્વારા એમપણ જણાવવામાં આવ્યું હતું કે પોર્ટ ઑથોરિટી દ્વારા કસ્ટમ્સ તથા ડીઆરઆઇના અધિકારીઓને આ ઓપરેશન માટે તમામ સહકાર આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં ત્વરિત કાર્યવાહી બદલ કસ્ટમ્સ તથા ડીઆરઆઇની ટીમનો આભાર પણ માનવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter