પાકિસ્તાની મહિલાઓ માટે કચ્છ ગેરકાયદે લગ્ન માટે સ્વર્ગ સમાન

Friday 04th December 2020 05:12 EST
 
 

ભૂજઃ એક મેટ્રીમોનિયલ સાઇટ મારફતે અમદાવાદી યુવકના પ્રેમમાં પડેલી પાકિસ્તાની મહિલા ગેરકાયદે ભારત આવી. ખોટા દસ્તાવેજોના આધારે કચ્છમાં લગ્ન કરીને અમદાવાદમાં સ્થાયી થઇ ગઈ, પણ કરમની કઠણાઈ એ હતી કે ભારતમાં તેણે જેની સાથે લગ્ન કર્યાં હતા એનું કોરોનામાં મૃત્યુ થયું. આ પછી તે બીજા યુવકની સાથે પ્રેમસંબંધ બાંધવા ગઈ એમાં પોલીસના હાથે પકડાઈ ગઈ.
ગુજરાતમાં થોડાક સમયથી એક્ટિવ થયેલા પાકિસ્તાની વ્હોટ્સએપ ગ્રૂપમાં કચ્છના કેટલાક નંબરો જોવા મળ્યા હતા. જેની ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ) તપાસ કરી રહી હતી. આ તપાસમાં કચ્છના એક નંબરથી અમદાવાદમાં એક નંબર પર અવારનવાર વાતચીત થતી હોવાનું જાણવા મળતા એટીએસએ આ નંબરને વિજિલન્સમાં રાખીને અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને તપાસ કરવા કહ્યું હતું. સાથોસાથ આ નંબર અંગે અમુક મહત્ત્વની ટીપ પણ આપી હતી.
આ પછી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે તપાસ હાથ ધરતાં, અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક મહિલા પાકિસ્તાનથી ગેરકાયદે આવીને બનાવટી દસ્તાવેજોના આધારે બે બાળકો સાથે રહેતી હોવાનું અને તે પાકિસ્તાનના સંપર્કમાં પણ હોવાનું જણાયું હતું. જેના આધારે એસઓજીએ એની ધરપકડ કરી હતી. એને શરૂઆતમાં ભારતીય આધારકાર્ડ, પાનકાર્ડ બનાવ્યા હતા, એટલું જ નહીં પાસપોર્ટ પણ બનાવ્યો હતો. પહેલી નજરે અસલી લાગતા આ દસ્તાવેજોની તપાસ કરતા એ નકલી નીકળ્યા હતા.
એસઓજીના એ.સી.પી બી.સી. સોલંકીએ કહ્યું હતું કે પહેલા અમારી વાત માનવા તૈયાર નહતી પણ એની સઘન પૂછપરછ કરતા મહિલા ભાંગી પડી હતી. આ મહિલાએ કબૂલ કર્યું હતું એ મૂળ પાકિસ્તાનના લાહોરની છે અને કરાચીમાં ભણી છે. એમાં પાકિસ્તાનમાં લગ્ન થયા હતા જેના પહેલા પતિથી એને બે બાળકો હતા અને છૂટાછેડા થઇ ગયા હતા. આ પછી એક મેટ્રિમોનિયલ સાઇટ પર બીજા લગ્ન માટે પોતાનો પ્રોફાઈલ મુક્યો હતો અને અમદાવાદના સુજીત મેથ્યુના સંપર્કમાં આવી હતી. બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. એ નેપાળ બોર્ડરથી ભારતમાં આવી અને કચ્છ ગઈ હતી જ્યાં એને અમદાવાદમાં મુથુટ ફાયનાન્સ કંપનીમાં કામ કરતા સુજીત મેથ્યુ સાથે લગ્ન કરી લીધા હતા. બે વર્ષથી એની સાથે રહેતી હતી. ચાર મહિના પહેલા સુજીત મેથ્યુનું કોરોનામાં અવસાન થયું હતું. ત્યારબાદ એ બીજા લગ્ન કરવા માટે પ્રયાસ કરતી હતી અને એટીએસ દ્વારા મળેલી ટીપના આધારે એની ધરપકડ કરવામાં આવી છે.
આ કેસની તપાસ કરતા એટીએસના અધિકારીને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું કે અમે પાકિસ્તાની ગ્રૂપની તપાસ કરતા હતા એમાં એક નંબર પરથી ગ્રૂપના કચ્છ અને પાકિસ્તાન અમુક નંબરો પર વાતચીત થતી હતી. જેના આધારે આ મહિલા પકડાઈ છે. કચ્છમાં આવી બીજી કેટલીક પાકિસ્તાની મહિલાઓના લગ્ન થયા હોવાની તપાસ કરી રહ્યા છીએ. આ અધિકારીએ તપાસ ચાલુ હોવાથી વધુ વિગતો આપવાનો ઇન્કાર કરતા કહ્યું કે પાકિસ્તાનથી મહિલાઓને નેપાળના માર્ગે ગુજરાત લાવી લગ્ન કરાવ્યા હોવાની કેટલીક વધુ વિગતો મળી છે અને આ અંગે વધુ તપાસ બાદ એમાં કોઈ જાસૂસીકાંડ છે કે કેમ એ દિશામાં પણ તપાસ કરી રહ્યા છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter