પોલીસ અધિકારી મનોજ નિનામાને એક વર્ષની જેલ

Thursday 10th May 2018 01:53 EDT
 

ભુજઃ ભુજના યુવાન મોહંમદ ઈસ્માઈલ સમાને જમીનના કેસમાં પકડીને ખોટી રીતે ઢોર માર મારવાના કેસમાં ભુજની ફાસ્ટ ટ્રેક કોર્ટે ભુજ વિભાગના તત્કાલીન ડેપ્યુટી સુપરીટેન્ડેન્ટ ઓફ પોલીસ અને હાલમાં અમદાવાદ આઈબીમાં એસપી તરીકે ફરજ બજાવતા મનોજ નિનામાને એક વર્ષની સજા અને રૂ. ૧ હજારનો દંડ ફટકાર્યો છે.
વર્ષ ૨૦૦૧માં પ્રતાપસિંહ જાડેજા અને ચમન ગોરે જમીન વેચવા માટે છાપામાં જાહેર નોટિસ છપાવી હતી. જે નોટિસ સામે મોહંમદ ઈસ્માઈલ સમાએ વાંધો ઉઠાવ્યો હતો. આ મામલે તત્કાલીન ભુજ વિભાગના ડીવાયએસપી મનોજ નિનામાએ મોહંમદને ભુજ પોલીસ મથકે સતત બે દિવસ બોલાવીને ઢોર માર મારી જમીન અંગે રજૂ કરાયેલા વાંધા પરત ખેંચી લેવા દબાણ કર્યું હતું. મોહંમદ સમાએ તેવું પણ કહ્યું કે, તે વાંધાઅરજી પાછી નહીં ખેંચે તો તેને ગુમ કરી દેવાશે એવી ધમકી પણ અપાઈ હતી.
મોહંમદ સમાએ ભુજની ચીફ કોર્ટમાં પ્રાઈવેટ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. કેસમાં ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિલ મેજિસ્ટ્રેટ વી. ડી. મોઢે આઈપીસી ૩૨૩ હેઠળ નિનામાને દોષી ઠેરવી ૧ વર્ષની કેદની સજા અને રૂ. ૧ હજારનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત ફરિયાદીને રૂ. ૧૦ હજારનું વળતર આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter