પોલીસે પકડેલા બે યુવકનાં મોતઃ મુન્દ્રામાં બંધનું એલાન

Monday 08th February 2021 04:50 EST
 

મુન્દ્રાઃ તાલુકાના સમાઘોઘા સ્થિત ઘરફોડ ચોરીના બનાવ મુદ્દે શંકાના આધારે પોલીસ તાજેતરમાં ત્રણ શકમંદોને ઉઠાવી ગઈ હતી અને ત્રણેયને લોકઅપમાં બંધ કરીને ઢોર માર માર્યો હોવાનું લોકઅપમાં બંધ લોકોના નજીકનાઓએ જણાવ્યું હતું. પોલીસ ઉઠાવી ગઈ તેમાંથી એક જણ અરજણ ગઢવી (રહે, સમાઘોઘા)નું કસ્ટડીમાં મોત થયું હતું. અન્ય એકનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત થયાના અહેવાલ હતા. પોલીસ ટોર્ચરને કારણે ઘાયલ થયેલા બે યુવાનોને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા અને તેમાંથી પણ એક હરજોગ હરિ ગઢવી (ઉ. વ. ૨૨ રહે, સમાઘોઘા)નું રવિવારે બપોરે સોળ દિવસની સારવાર બાદ મોત નિપજતાં ગઢવી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. બે યુવકોનાં મોત થયા બાદ ગઢવી સમાજે લાલ આંખ કરી છે. અસહ્ય મારને કારણે હરિની બંને કિડનીઓ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ હતી.

આ બનાવની ગંભીરતાને લઇને કચ્છ એસપી સૌરભ સિંઘે જણાવ્યું કે, કસ્ટોડિયલ ડેથ અને સારવાર દરમિયાન યુવકના મોત મામલે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એસપીના તપાસના આદેશમાં ૮ આરોપીઓના નામ બહાર આવ્યા હતા. જેમાંથી પીઆઇ અને જીઆરડી જવાનની અટકાયત કરાઈ છે. જ્યારે હજી ૬ આરોપી ફરાર છે. એસપી સૌરભ સિંઘે આ મામલે ગઢવી સમાજને તપાસમાં સહકાર આપવા અને ધીરજ રાખવા અપીલ કરી છે. બીજી તરફ ગઢવી સમાજે આઠમીએ મુન્દ્રામાં બંધનું એલાન રહેશે તેવું સાતમીએ જાહેર કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter