બુડિયા ગામના લોકો કૂવા-તળાવને પવિત્ર માને છે

Thursday 10th March 2016 06:15 EST
 
 

અબડાસાઃ બુડિયા ગામના લોકોએ પાણીની અછતને પહોંચી વળવા માટે ઉપાય શોધી કાઢ્યો છે. ૪૦૦થી વધારે વસ્તી ધરાવતા આ ગામમાં એક જ કૂવો છે. આ કૂવાના પાણીના વપરાશને લઇને ચુસ્ત નિયમો બનાવાયા છે. ગામના લોકો કૂવા અને તળાવને તીર્થધામ જેટલું મહત્ત્વ આપે છે. દર પાંચ વર્ષે કૂવાની અને તળાવની સફાઈ કરવી. બૂટ-ચંપલ પહેરીને કૂવા પાસે ન જવું. પાણીનો ઉપયોગ ફક્ત પીવા માટે જ કરવો. કૂવાના કે તળાવના પાણીનો દુરુપયોગ કરનાર વ્યક્તિના પરિવાર પાસે દરગાહની સફાઈ કરાવવી તથા રૂ. ૧૦૧ દંડ પાણી સમિતિમાં જમા કરાવવાના જેવા નિયમો આ ગામમાં છે.

તળાવ અને કુવાની સ્વચ્છતાને ગામ લોકો ખૂબ જ મહત્ત્વ આપે છે. દર વર્ષે એપ્રિલ મહિનામાં તળાવ સાફ કરાય છે. જેમાં દરેક પરિવારમાંથી એક વ્યક્તિને ફરજિયાત જોડાવું પડે છે. જોકે, તળાવની સફાઇમાં ન આવનારી વ્યક્તિએ કામ ઉપર આવતા પ્રત્યેક વ્યક્તિ માટે ચા-પાણીનો ખર્ચ ઉપરાંત દરેક દિવસની એક વ્યક્તિની મજૂરી પાણી સમિતિમાં જમા કરાવવાની હોય છે. કૂવા અને તળાવના મેન્ટેનન્સ માટે વર્ષમાં ત્રણ વખત લોકફાળો ઉઘરાવાય છે.

મહત્ત્વની વાત એ છે કે પાણીનો વપરાશ ઓછો થાય તે માટે કૂવા ઉપર ઇલેક્ટ્રીક મોટર લગાવવાની સ્પષ્ટ મનાઇ છે. હાલમાં પણ ગરેડીથી દોરી ખેંચીને પાણી ભરાય છે. ગામમાં કેટલીક માન્યતાઓ પણ જોવા મળે છે. જેમકે, કોઇના ઘરે બાળકનો જન્મ થાય એટલે એ પરિવારના સભ્યો ૪૦ દિવસ સુધી કૂવા ઉપર પાણી ભરવા જતાં નથી. ગામનો કોઇ પણ યુવક લગ્ન કરીને આવે તો પહેલાં કૂવા પાસે શ્રીફળ વધેરીને પછી ઘરમાં પ્રવેશે છે.

આ અંગે ગામના સરપંચ અહમદ હુસેન કહે છે કે, જમીનમાં ખારાશ વધતી જાય છે અને ભૂગર્ભ જળ ઊંડા ઉતરતા જાય છે. જેથી અહીં મીઠું પાણી મેળવવું મુશ્કેલ છે. કોણીયારા વિસ્તારમાંથી પાઇપ લાઇન મારફતે આવતાં પાણીમાં ૨ હજારથી વધારે ટીડીએસ હોવાથી તેનો ઉપયોગ કરી શકાતો નથી. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ પાણીનું મહત્ત્વ સમજે તે માટે બુડિયા ગામના વડીલોએ પાણીના વપરાશને લઇને આ પ્રકારના નિયમો બનાવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter