બ્રિટિશરોએ ભૂકંપ વખતનો સંબંધ જાળવ્યો

Wednesday 14th December 2016 07:10 EST
 

ભુજઃ ભૂકંપમાં પોતાના પગની સાથોસાથ માતા અને નાના ભાઈને પણ ખોઈ બેઠેલા બ્રાહ્મણ યુવક પાર્થ જોશીને કૃત્રિમ પગની સાથોસાથ કુદરતી પ્રેમ આપનાર બ્રિટનના બે સ્વયંસેવકો ‘ક્વેક બોય’નો લગ્ન પ્રસંગ માણવા તાજેતરમાં ભુજ આવ્યા હતા. પાર્થના પરણવાની પ્રસન્નતા સાથે હાથમાં મહેંદી રંગી, આંખે આનંદ આંજીને યુ.કે.ની રેપિડ ઇન્ટરનેશનલ સંસ્થાના સ્વયંસેવકો જ્હોન મિલર અને નિક સ્પેન્સે ભુજમાં વાત કરતાં ભૂકંપ વખતના કરુણ સ્મરણો વર્ણવ્યા હતા.
ગ્રામીણ બેંકના અધિકારી પ્રદીપભાઈ જોશીનો પુત્ર પાર્થ (૨૭) ભૂકંપ વખતે ૧૧ વર્ષનો હતો. પાર્થને બચાવીને પાર્થને કૃત્રિમ પગ લગાડવા પિતા-પુત્રની ટિકિટથી માંડીને તમામ ખર્ચની જવાબદારી ઉપાડી લેનાર રેપિડ ઇન્ટરનેશનલના સ્વયંસેવક નિક સ્પેન્સ કહે છે કે, અમારી મદદથી મળેલા પગથી ચાલતો થયેલો બાળક પાર્થ આજે આપબળે ‘પગભર’ બનીને સંસાર માંડી રહ્યો છે ત્યારે ખૂબ ખુશ છીએ.
પાર્થના માતા દિવ્યાબહેન અને છ વર્ષના ભાઈ જિગર સાથે ભૂકંપે ભાંગી નાખેલા ઘરના કાટમાળ તળે ચાર દિવસ સુધી દબાયેલા રહીને મજબૂત મનોબળના બળે ટકી રહેલા પાર્થને સલામત ઉગારવાની કવાયત મુશ્કેલ હતી, પરંતુ પાર્થે બતાવેલી હિંમત પ્રભાવિત કરી ગઈ, તેવું યુ.કે.ના સ્વયંસેવક જ્હોન મિલરે કહ્યું હતું.
ભૂકંપમાં સાડા નવ કલાકથી લોહી લુહાણ પાર્થને સલામત ઉગારી લેવામાં સફળ થયેલા બ્રિટનની બચાવ ટુકડીના કાર્યકરો સ્પેન્સ અને મિલર કરુણ કુદરતી આફતના ૧૬ વર્ષ બાદ મંગળ પ્રસંગ આવતાં જાણે પોતાના ઘરઆંગણે કુટુંબનો જ પ્રસંગ હોય તેવો આનંદ અનુભવી રહ્યા હતા.
પાર્થ સાથે તમારા સંબંધને શું નામ આપશો? તેનો જવાબ આપતાં બ્રિટિશ સ્વયંસેવકો બોલી ઊઠ્યા હતા કે, પાર્થ ઇસ અવર બ્રધર એન્ડ બેસ્ટ ફ્રેન્ડ એઝ વેલ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter