ગાંધીધામઃ વડોદરામાં શિવસેનાનાં ઉપપ્રમુખની ગાંધીધામમાં ભાજપનાં મહિલા અગ્રણીનાં ઘરમાં જ હત્યા થઇ છે. આ હત્યા તેના પતિએ કરી હોવાનું મહિલાએ જાહેર કર્યું, જોકે પોલીસ તપાસ કર્યા પછી આ અંગે નામ જાહેર કરવા માગે છે. પોલીસે મહિલા સહિત અન્યોનાં નિવેદન લીધા છે. વડોદરામાં દિનેશ મીલની પાછળ રહેતા મનજિત રાજકુમાર જ્ઞાનચંદાણી (૨૮)ની ૨૧ જૂનના સવારે ગાંધીધામમાં હત્યા થઇ હતી. મહિલા સાથે આડા સંબંધનાં કારણે આ હત્યા થઇ હોવાનું પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે.
પોલીસે જણાવ્યું હતું કે, ભાજપના મહિલા અગ્રણી તરુણાબેન રાજેશ ચતુરાણી અને મનજિત જ્ઞાનચંદાણી છેલ્લા છ મહિનાથી એકબીજાનાં સંપર્કમાં હતા. સૌ પ્રથમ બંને વચ્ચે મિત્રતા થઇ અને પછી તેમના સંબંધ આગળ વધ્યા હતા. મનજિતે, તરુણાને તેના પતિ સાથે છૂટાછેડા લઇને પોતાની સાથે લગ્ન કરવા જણાવ્યું હતું અને ત્યારથી આ મુદ્દે બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો.
સોનાના દાગીના વેચી પશુઓને ચારો આપ્યોઃ મુંદરા તાલુકાના લુણી ગામમાં અંદાજે ૧૧૦૦ પશુઓ માટે ઘાસચારાની તીવ્ર તંગી ઊભી થઇ છે. આ માટે પૂરતું ભંડોળ ન મળતા લુણીના મનજી ગેલાભાઈ પટેલે પોતાની સોનાની વીંટી રૂ. ૬૨,૫૭૦માં વેચીને ચારો મંગાવીને નીરણ શરૂ કર્યું હતું. ગમે તે ભોગે જાનવરોને બચાવવાની હઠ લઇને બેઠેલા મનજીભાઇએ આ ચારો તો ટૂંક સમયમાં ખલાસ થઇ ગયો. પછી રૂ. ૧,૮૨,૦૦૦માં સોનાની ચેન વેચીને નીરણ ચાલુ રાખ્યું. હવે એ ચારો પણ પૂરો થવાના આરે આવ્યા ત્યારે ફરીથી તેમને મુંઝવણ થઇ કે હવે ચારો ક્યાંથી લાવવો. આમ તેઓ પશુના ઘાસચારા માટે ટહેલ નાખી રહ્યા છે.