અમદાવાદ: ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. આ પછી યોજાયેલી મહાત્મા ગાંધીની અંતિમ યાત્રામાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા હતા. મહાત્મા ગાંધીનો દેહ પંચમહાભૂતમાં વિલિન થયા બાદ તેમની અમુક અસ્થિનું અલ્લાહાબાદમાં ત્રિવેણી સંગમમાં ૧૨ ફેબ્રુઆરી ૧૯૪૮ના વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સિવાય અસ્થિના અમુક ભાગને દેશમાં વિવિધ સ્થાને તેમના મિત્રો-પરિવારના સભ્યોને મોકલવામાં આવી હતી. આ પૈકી ગાંધીધામના સ્થાપક ભાઇપ્રતાપ અને અન્ય કેટલાક મહાનુભાવો દ્વારા ગાંધીજીના અસ્થિને ગુજરાતમાં લાવવામાં આવ્યા હતા.
આદિપુરમાં મહાત્મા ગાંધીની અસ્થિ પધરાવીને ત્યાં સમાધિ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આમ, નવી દિલ્હીમાં રાજઘાટ બાદ મહાત્મા ગાંધીની અન્ય એક સમાધિ માત્ર ગુજરાતના આદિપુરમાં આવેલી છે. ૧૨ ફેબ્રુઆરીના આદિપુરમાં મહાત્મા ગાંધીની અસ્થિ પધરાવાઇ અને તે જ દિવસે ગાંધીધામની સ્થાપના કરવામાં આવી હતી.
ગાંધીધામ આઝાદી અને ભારતના ભાગલા પછી વસેલું શહેર છે. આ શહેરનું નામકરણ ગાંધીજીની સમાધિને કારણે ગાંધીધામ રખાયું છે. ભાગલા બાદ ભારતનો સિન્ધ પ્રાંત પાકિસ્તાનમાં જતા રહેતા સિંધિઓ ઘરબાર છોડીને ભારતમાં રહેવા માટે આવ્યા હતા. આ નિર્વાસિતોના પુનઃવસન માટે મહાત્મા ગાંધીના કહેવાથી કચ્છના મહારાવે ૧૮ હજાર એકર જમીન ફાળવી હતી.
ગાંધીજીની વિચારધારા સર્વોદયને આધારે જ આદિપુરની રચના થયેલી છે. કેમ કે, ત્યાં વિવિધ જાતિના લોકો એક જ વિસ્તારમાં સાથે રહે છે. મહાત્મા ગાંધીની આ સમાધિના દર્શનાર્થે દેશના સૌપ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ, મોરારજી દેસાઇ, લાલકૃષ્ણ અડવાણી સહિતના મહાનુભાવો આવી ચૂક્યા છે.
સમાધિની ઉપેક્ષા
આદિપુર ખાતે આવેલી મહાત્મા ગાંધીની સમાધિના દર્શન માટે દેશ-વિદેશથી ખૂબ જ વધુ સંખ્યામાં પ્રવાસીઓ આવી શકે તેમ છે. પરંતુ સરકાર દ્વારા ક્યારેય ગાંધીજીની આ સમાધિનો પ્રચાર-પ્રસાર કરવાનો પ્રયાસ સુદ્ધાં થયો નથી. આશ્ચર્યની વાત એ છે કે ગાંધીજયંતી, ગાંધીનિર્વાણ દિન કે સ્વતંત્રતાદિને આ સમાધિમાં ફૂલ અર્પણ કરવા પણ કોઇ નેતા ફરક્તા નથી.